સુરતની કિશોરીની બહાદુરી : છેડતી બાદ એકલી પોલીસ સ્ટેશન પહોંચી, યુવકને પકડાવ્યો


Updated: January 2, 2020, 10:38 AM IST
સુરતની કિશોરીની બહાદુરી : છેડતી બાદ એકલી પોલીસ સ્ટેશન પહોંચી, યુવકને પકડાવ્યો
પ્રતિકાત્મક તસવીર

મહોલ્લાનો યુવક કિશોરીનો પીછો કરતા તેની સ્કૂલે પહોંચી ગયો હતો, સતત છેડતી બાદ કિશોરી પરિવારને જાણ કર્યા વગર સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

  • Share this:
સુરત : શહેર પોલીસે એક કિશોરીની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. યુવતીએ પોતાની છેડતી કરનાર અને મારી નાખવાની ધમકી આપનાર એક યુવકને પોલીસના હવાલે કર્યો હતો. છેડતીના બનાવ બાદ યુવતી એકલી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી. હાલ બાળકીઓ અને કિશોરીએ સાથે દુષ્કર્મ અને છેડતીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક કિશોરીએ બહાદુરી પૂર્વક યુવકને પોલીસને હવાલે કર્યાના બનાવની ચર્ચા થઈ રહી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પરિવારની 15 વર્ષની દીકરી કાપોદ્રાની એક સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. આ વિસ્તારમાં રહેતો સંકેત વ્યાસ નામનો દુકાનદાર છેલ્લા ત્રણ મહિનાથી આ કિશોરીને હેરાન કરતો હતો. કિશોરી પોતાના ઘરની અગાશી પર જતી હતી ત્યારે યુવાન બીજાની અગાશી પર જઈને તેની સામે ગંદા ઈશારા કરતો હતો. શરૂઆતમાં કિશોરીએ આ બાબતને ગંભીરતાથી નહીં લઈને પરિવારમાં કોઈ વાત કરી ન
હતી.

છેલ્લા ત્રણ દિવસથી કિશોરી સ્કૂલે જતી હતી ત્યારે યુવકે તેનો પીછો કરવાની શરૂઆત કરી હતી. ગતરોજ યુવાને હદ પાર કરી દીધી હતી અને તે કિશોરીની સ્કૂલે પહોંચી ગયો હતો. યુવકે કિશોરીને રસ્તા વચ્ચે અટકાવીને તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવકે કિશોરીને કહ્યુ હતુ કે, "મારે તારી સાથે લગ્ન કરવા છે. તું મને ખૂબ ગમે છે. જો તું મારી ન થાય તો તને અને તારા પિતાજીને પતાવી દઈશ."

કિશોરી પોલીસ સ્ટેશન પહોંચી

યુવકની આવી ધમકી બાદ કિશોરી જરા પણ ડર્યાં વગર સીધી જ કાપોદ્રા પોલીસ મથક પહોંચી ગઈ હતી અને તમામ હકીકત પોલીસને જણાવી હતી. જે બાદમાં પોલીસ કિશોરીની કહેલી જગ્યા પર પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી લીધી હતી. કિશોરીએ આ વાત તેના પરિવારમાં કરી ન હતી, પરંતુ કિશોરીના પિતાના એક મિત્રએ તેને પોલીસની જીપમાં જતી જોઈને આ અંગેની જાણ તેના પિતાને કરી હતી.દીકરીની બહાદુરીની વાત સાંભળીને પિતા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. જે બાદમાં દીકરીને પરેશાન કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ પોલીસે પણ કિશોરીની બહાદુરીની પ્રશંસા કરી હતી. સાથે જ લોકોને એવો સંદેશ આપ્યો હતો કે જો આ રીતે યુવતીઓ બહાદુરી બતાવશે તો છેડતી અને દુષ્કર્મની ઘટનાઓને અટકાવી શકાશે.
First published: January 2, 2020, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading