Surat News: સુરત: ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના (Grishma Vekaria murder case) આરોપી ફેનિલ ગોયાણી (fenil Goyani) સામે સ્પીડી ટ્રાયલના અંતે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે (Vimal K Vyas) આ કેસને રેરેસ્ટ ઓફ રેર કહ્યો છે. જેથી સરકાર પક્ષની દલીલ સાથે સંમત થઈને ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને મૃત્યુ દંડની સજા થઇ છે. 5 હજાર દંડ તથા ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ભોગ બનનારના પરિવારને તથા ઈજાગ્રસ્તોને કોર્ટે વિકટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ 7 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે. આ અંગે ગ્રીષ્મા વેકરિયાના પરિવારે જણાવ્યુ છે કે, અમને અમારી દીકરી ખોવાનું ઘણું દુખ છે સાથે કોર્ટે આજે જે ન્યાય આપ્યો છે તેનાથી ઘણો જ સંતોષ છે.
'આ સજા અંગે સંતુષ્ટી છે'
આજના ઐતિહાકિસ ચુકાદા અંગે ગ્રીષ્માના ભાઇ ધ્રુવે જણાવ્યુ કે, 'જે રીતે સજા મળવી જોઇએ તેવી જ સજા મળી છે. પરિવારજનોમાં આ સજા અંગે સંતુષ્ટી છે. કોર્ટ અને પોલીસ તરફથી અમને બધો સપોર્ટ મળ્યો છે.'
ગ્રીષ્માના પિતાએ જણાવ્યુ કે, 'મને આશા હતી તે પ્રમાણે મારી દીકરીને ન્યાય મળ્યો છે. પોલીસકર્મીઓ, વકીલ, હર્ષભાઇ સંઘવી, આપણા મુખ્યમંત્રી પટેલ, પ્રફુલભાઇ પાંચસુરિયાના સાથ સહકારથી આજે મારી દીકરીને જ નહીં પરંતુ મારા દેશની દીકરીને ન્યાય મળ્યો છે. દેશની કોઇપણ દીકરી સાથે આવું ન થવુ જોઇએ. કોર્ટે ઝીણામાં ઝીણી બાબતને ધ્યાન રાખીને કોર્ટે પોતાની જવાબદારીથી વિચારીને ન્યાય આપ્યો છે. ફાંસીની સજા યોગ્ય છે એને ફાંસીની સજા થાય.'
આ કેસના ચુકાદા અંગે ગ્રીષ્માના કાકાએ જણાવ્યુ કે, 'સજા મળી છે તે પરિવારને આશ્વાસન મળે તેવી સજા મળી છે. જેથી ગુજરાતની જ નહીં પરંતુ દેશની કોઇપણ બહેન દીકરીની સાથે આવું ન બને તે માટે આવી સજા યોગ્ય છે. જેથી લફંગાઓ કાયદા કાનૂનથી ડરે.'
આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવ્યા બાદ ગ્રીષ્માનો પરીવાર ભાવુક થયો.
ગ્રીષ્માના અન્ય પરિવારજને કહ્યુ કે, આજે અમને સજા સાંભળીને સંતોષ છે. અમને લાગી રહ્યુ છે કે, સત્યનો જય થયો છે. અમને વિશ્વાસ હતો કે, હંમેશા સત્યનો જય થશે. આજે અમારી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે જેનાથી અમને સંતોષ છે. અમે અમારી દીકરી ખોઇ છે તેનું અમને ઘણું દુખ થયુ છે. પરંતુ આજના ન્યાયથી અમને સંતોષ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર