કિર્તેશ પટેલ, સુરત : સુરતના ભટાર વિસ્તારમાં જ્ઞાનગંગા નામની વિદ્યાલયની બાજુમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આગને પગલે સ્કૂલમાં અભ્યાસ કરતા 250 વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. આગ લાગી તે પ્લાસ્ટિકની ફેક્ટરી હોવાનું માલુમ પડ્યું છે. એવી પણ વિગત મળી છે કે 250 બાળકોને બચાવાયા તે સ્કૂલમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હતી. તંત્રએ આ બનાવ બાદ સ્કૂલને સીલ મારી દીધું છે.
જે સ્કૂલમાં આગ લાગી હતી તે ગેરકાયદે ચાલી રહી હોવાની વાત સામે આવી છે. આગ લાગી તે સ્કૂલ આઝાદ નગર રોડ ખાતે આવેલા બાલ ક્રિષ્ના કોમ્પલેક્સના પ્રથમ માળે ચાલતી હતી. સ્કૂલ જે જગ્યાએ છે તે ઓદ્યોગિત વિસ્તાર છે.
ઉલ્લેખનીય છે કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં આગને ગઇકાલે (સોમવારે) એક મહિનો પૂરો થયો છે. આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓએ આગને કારણે જીવ ગુમાવ્યો હતો. સરથાણાની આગ બાદ તંત્ર તરફથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા માટે શહેરની તમામ સ્કૂલોમાં ચકાસણી કરીને નોટિસ પાઠવવામાં આવી હતી. જે અંતર્ગત જ્ઞાનગંગા વિદ્યાલયને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, નોટિસ છતાં સ્કૂલમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હોવાનું માલુમ પડ્યું છે.
કારણોની તપાસ કરીશું : સુરત મેયર
આ મામલે સુરતના મેયર જગદીશ પટેલે જણાવ્યું કે, "જ્ઞાનગંગા સ્કૂલમાં આગ લાગી હતી તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે. સાવચેતીના તમામ પગલાં લેવાનું ચાલું છે. તંત્ર તેમજ મહાનગર પાલિકા તરફથી પગલાં લેવામાં આવી રહ્યા છે. જો આ સ્કૂલ ગેરકાયદે હશે તો તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે."
સ્કૂલ ગેરકાયદે હશે તો માન્યતા રદ થશે : જિલ્લા શિક્ષણાધિકારી, સુરત
આ મામલે વાત કરતા સુરતના જિલ્લા શિક્ષણાધિકારી હરેશ રાજ્યગુરુએ જણાવ્યું કે, "આગ લાગી છે તે હિન્દી માધ્યમની ધો-1થી 8ની નોન-ગ્રાન્ટેક સ્કૂલ છે. બુધવારે અમારા અધિકારીઓ સ્થળ પર જશે અને તપાસ બાદ રિપોર્ટ મોકલી દેવામાં આવશે. જો આ સ્કૂલ ગેરકાયદે ચાલતી હશે તો અમે સ્કૂલની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરીશું."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર