કિર્તેશ પટેલ, સુરત : સુરતના અમરોલીમાં રહેલા એક પરિવારે ગુરુવારે ઝેરી દવા પી લીધી હતી. આ બનાવમાં પરિવારના બે સભ્યોના શુક્રવારે મોત થયા હતા, જ્યારે એક સભ્યની હાલત નાજુક હતી. રવિવારે પરિવારના ત્રીજા સભ્યનું પણ મોત થઈ ગયું હતું. આ બનાવમાં પતિ, પત્ની અને પુત્રીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. પરિવારના સભ્યોના નિવેદન પ્રમાણે બેંકના હત્યા ન ભરી શકવાને કારણે તમામ લોકોએ જીવન ટૂંકાવી લીધું હતું.
શું હતો બનાવ?
સુરતના અમરોલી વિસ્તારમાં નરેન્દ્ર કોરી (30) નામનો યુવક તેની પત્ની પ્રિયંકા(27) અને પુત્રી મૈત્રી(5) અને પુત્ર વંશ(3) સાથે રહેતો હતો. નરેન્દ્ર એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો. ગુરુવારે સાંજે નરેન્દ્રએ શરબત બનાવીને તેમાં ઝેર ભેળવી દીધું હતું. આ શરબત નરેન્દ્ર તેની પત્ની પ્રિયંકા અને તેની પુત્રી મૈત્રીએ પીધું હતું. ગુરુવારે ઝેર પી લીધા બાદ શુક્રવારે ત્રણેયની તબિયત લથડી હતી. શુક્રવારે તેમના એક પરિચિત દ્વારા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન નરેન્દ્ર અને તેની પુત્રીની હાલત ખૂબ જ ગંભીર બની જતાં બંનેનું મોત થઈ ગયું હતું. જ્યારે પત્નીની સારવાર ચાલી રહી હતી. રવિવારે પત્નીએ પણ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન પોલીસે મૃતક નરેન્દ્રની પત્ની પ્રિયંકાનું નિવેદન લીધું હતું. આ દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેના પતિએ ઘર માટે બેંક ઓફ બરોડામાંથી લોન લીધી હતી. પતિની નોકરી છૂટી ગયા બાદ બેંકના હત્યા ભરવામાં તકલીફ પડી રહી હતી. આ દરમિયાન ટેન્શનમાં આવીને તેના પતિએ ઝેર પી લીધું હતું. જોકે, તેણીએ એવું પણ જણાવ્યું હતું કે શરબતમાં ઝેર હોવા અંગે તેને કોઈ માહિતી ન હતી. તેના પતિએ બે ગ્લાસ શરબત બનાવ્યું હતું, જેમાંથી એક ગ્લાસ પોતે પીધો હતો અને અડધો-અડધો ગ્લાસ તેને અને તેની પુત્રીને આપ્યો હતો.
આ બનાવમાં રવિવારે પરિવારના ત્રીજા સભ્યનું મોત થયા હતા હવે પરિવારમાં માત્ર ત્રણ વર્ષનો વંશ બન્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર