સુરત: શિયાળાની ઋતુ (Winter Season) આવતા કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આજે (23-11-2020)ના રોજ સુરત શહેર અને જિલ્લામાં બપોરના 12 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા 160 પોઝિટિવ દર્દી (Corona Positive Cases in Surat) નોંધાયા હતા. આ સાથે સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસ (Coronavirus)ના કુલ દર્દીની સંખ્યા 41,566 નોંધાઇ છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં રાત્રી કર્ફ્યૂ સાથે કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે મનપા અને પોલીસ ટીમ રસ્તા ઉપર ઉતરી આવી છે. માસ્ક નહીં પહેરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાના આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસની ચેન તોડવા માટે તપાસ અને ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં એસ.ટી. બસોના પ્રવેશ પર પ્રતિબંધ
સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે વિતેલા 24 કલાકના સુરત શહેરમાં કોરોના વાયરસના 213 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વિતેલા 16 કલાકમાં નવા 108 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. આ સાથે સુરત શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 30,477 થઈ છે.
આ પણ વાંચો: રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડા 10 હજારને પાર, મનપાના ડે. કમિશનર સંક્રમિત થયા
ગઇકાલે 1 કોરોના પોઝિટિવ દર્દીનાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 760 થયો હતો. જ્યારે કુલ પોઝિટિવ દર્દી પૈકી કુલ 28,565 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા હતા. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગઇકાલે સુરત જિલ્લામાં 53 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવના નવા 52 દર્દી નોંધાયા છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર: રાજકોટ-લીંબડી હાઇવે પર પેટ્રોલ ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત
સુરત જિલ્લામાં આ સાથે કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 11,089 થઈ છે. તેમજ 281 કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધી 10,361 દર્દી સાજા થયા છે.
સુરતમાં રાત્રી કર્ફ્યૂ
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર તરફથી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન એસ.ટી. બસોને પણ શહેરમાં પ્રવેશની છૂટ નથી આપવામાં આવી.
એસ.ટી. નિગમના સચિવ કે. ડી. દેસાઈના જણાવ્યા પ્રમાણે નાઇટ કર્ફ્યૂ દરમિયાન સુરતથી આવતી-જતી 395 એસ.ટી. બસ બંધ રહશે. રાત્રી કર્ફ્યૂ દરમિયાન સુરતમાં બાયપાસ સેવા શરૂ રાખવામાં આવશે. એટલે કે બીજા શહેરમાં જતી બસો બાયપાસ રોડથી શરૂ રહેશે. સુરતમાં મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડીથી રાત્રી દરમિયાન બસ સેવા મળી રહેશે.