Home /News /south-gujarat /સુરત: રત્નકલાકાર દોડતો થયો, ATM પાસે હોવા છતા ખાતામાંથી 30 હજાર બારોબાર ગાયબ, જાણો - પૂરી ઘટના

સુરત: રત્નકલાકાર દોડતો થયો, ATM પાસે હોવા છતા ખાતામાંથી 30 હજાર બારોબાર ગાયબ, જાણો - પૂરી ઘટના

એટીએમ કાર્ડ રત્નકલાકાર પાસે હોવા છતાં ભેજાબાજે એટીએમમાંથી ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કરી પૈસા ઉપાડી લીધા હતા.

એટીએમ કાર્ડ રત્નકલાકાર પાસે હોવા છતાં ભેજાબાજે એટીએમમાંથી ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કરી પૈસા ઉપાડી લીધા હતા.

    સુરત : કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકારના બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી તેની જાણ બહાર રૂ.૩૦ હજાર બારોબાર ઉપડી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. એટીએમ કાર્ડ રત્નકલાકાર પાસે હોવા છતાં ભેજાબાજે એટીએમમાંથી ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કરી પૈસા ઉપાડી લીધા હતા. રત્નકલાકારે બે વખત રૂ.૧૦ હજાર કપાતા હોમલોનનો હપ્તો કપાયો હશે માની ધ્યાન આપ્યું ન હતું, પણ બીજા દિવસે ફરી રૂ.૧૦ હજાર કપાતા તપાસ કરી તો કોઈકે એટીએમમાંથી પૈસા ઉપાડયા હોવાની જાણ થઈ હતી.

    મૂળ અમરેલીના વતની અને સુરતમાં કાપોદ્રા કારગીલ ચોક પાસે નવેંદ સાગર સોસાયટી ઘર નં.૬૪ માં રહેતા ૩૩ વર્ષીય પંકજભાઈ નનુભાઈ હીરપરા કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસે જી.જી.એક્ષપોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે.

    બેન્ક ઓફ બરોડાની કાપોદ્રા શાખામાં એકાઉન્ટ ધરાવતા પંકજભાઈના એકાઉન્ટમાંથી દર મહિને હોમલોનના રૂ.૩૦ હજાર કપાઈ છે. તે દરમિયાન ગત તા.૧૯ મીની સાંજે નોકરીએથી આવી તેમણે મોબાઈલ ફોનમાં આવેલા મેસેજ ચેક કર્યા તો રૂ.૧૦ હજાર એકાઉન્ટમાંથી કપાયાના બે મેસેજ હતા. આ રકમ હોમલોનનો હપ્તો કપાયો હશે તેમ માની તેમણે ધ્યાન આપ્યું ન હતું.જોકે, બીજા દિવસે સવારે તે નોકરીએ હાજર હતા ત્યારે ૧૧.૩૦ કલાકે ફરી તેમને રૂ.૧૦ હજાર એકાઉન્ટમાંથી કપાયાનો મેસેજ આવતા ચોંક્યા હતા.

    તેમણે બેન્કમાં જઈ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, જે રૂ.૩૦ હજાર તેમના એકાઉન્ટમાંથી કપાયા છે, તે ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા કોઈકે એટીએમમાંથી ઉપાડયા છે. પોતાનું એટીએમ કાર્ડ પાસે હોવા છતાં તેમજ કોઈને પણ એટીએમ કાર્ડની માહિતી આપી ન હોવા છતાં એકાઉન્ટમાંથી જાણ બહાર રૂ.૩૦ હજાર ઉપડી જતા છેવટે પંકજભાઈએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    First published: