સુરત : અમદાવાદ પછી હવે સુરતમાં કોરોનાને કહેર (Coronavirus Cases in Surat)જોવા મળી રહ્યો છે. રવિવારે એક સાથે 172 કેસ નોંધાતા શહેર અને જિલ્લા (Surat City)માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ (Dr. Jayanti Ravi) પણ શનિવારે સુરત શહેરમાં દોડી ગયા હતા. જેના બીજા જ દિવસે કેસમાં ઉછાળો નોંધાયો છે. 172 કેસમાંથી સુરત શહેરમાં 150 કેસ નોંધાયા છે. 150માંથી પણ 35 કેસ એવા છે જેઓ ડાયમંડ યુનિટ (Diamond Units) સાથે જોડાયેલા છે. એટલે કે સુરતમાં હવે રત્નકલાકારો (Diamond Workers) સુપર સ્પ્રેડર બનતા ચિંતા વધી છે. રત્નકલાકારોમાં કોરોના ફેલાતા હવે સુરતમાં ફરીથી ડાયમંડ યુનિટો બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. આ માટે સુરતમાં આજે ખાસ બેઠક મળનાર છે.
સુરતમાં ડાયમંડ એકમો બંધ કરવાની વિચારણા
સુરતમાં રત્નકલાકારો સુપર સ્પ્રેડર બનતા હીરાના કારખાનાઓ ફરીથી એક અઠવાડિયા માટે બંધ રાખવાની વિચારણા ચાલી રહી છે. કારણ કે રત્નકલાકારોના માધ્યમથી તેમના પરિવારના લોકો સુધી કોરોના સંક્રમણ પહોંચી રહ્યું છે. આ ઉપરાંત હીરા બજાર અને કારખાનાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવામાં આવી રહ્યાના બનાવ ધ્યાનમાં આવી રહ્યા છે.
બીજી તરફ હાલના તબક્કે વૈશ્વિક હીરા બજારમાં ખાસ માંગ નથી જોવા મળી રહી. હીરાના કારખાનાઓ ચાલુ થઈ ગયા હોવાથી માલનો ભરાવો થઈ રહ્યો છે. આથી જ સુરતમાં કેટલાક મોટા ડાયમંડ યુનિટોએ શનિ-રવિ તો કેટલાક લોકોએ અઠવાડિયાની રજા આપી છે. બીજી તરફ કોરોનાના કેસ પણ વધી રહ્યો હોવાથી ડાયમંડ એસોસિએશન અને ઉદ્યોગકારો અઠવાડિયા માટે હીરા યુનિટો બંધ રાખવાનો નિર્ણય લઈ શકે છે.
સુરતમાં રવિવારે સૌથી વધારે 172 કેસ નોંધાયા
રવિવારના દિવસ સુરતમાં સૌથી વધારે 172 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. આ સાથી સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,585 પર પહોંચી છે. જિલ્લામાં કોરોનાને પગલે 137 લોકોનાં મોત થયા છે. રવિવારે સુરત જિલ્લામાં નોંધાયેલા 172 કેસમાંથી શહેરમાં 150 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 2,379 થઈ છે. જેમાં જિલ્લાના 201 લોકોનો પણ સમાવેશ થાય છે.
ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
રવિવારે સુરત સેન્ટ્રલ ઝોનમાં 16, વરાછા એ ઝોનમાં 19, વરાછા બીમાં 15, રાંદેર ઝોનમાં 13, કતારગામ ઝોનમાં 44, લિંબાયત ઝોનમાં 25, ઉધના ઝોનમાં 11 અને અઠવા ઝોનમાં 7 કેસ નોંધાયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર