કેતન પટેલ, સુરત : જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ નથી લેતું ત્યારે હોટસ્પોટ બનેલા મહુવા તાલુકામાં એક મહિનામાં અધધ 722 જેટલા કેસો નોંધાવા પામ્યા છે, મહુવા તાલુકાના શેખપુર, બામણિયા, અનાવલ, કોષ અને કરચેલીયા ગામે 30 દિવસમાં 107 લોકોના મોત થવા પામ્યા છે, વાત કરીએ શેખપુર ગામની તો હસતા ખીલતા આ ગામ નો માહોલ આજે માતમમાં ફેરવાઈ જવા પામ્યો છે એક મહિનામાં 37 લોકોના મોત થયા છે ત્યારે હનુમાન ફળિયામાં રહેતા વકીલ મેહુલ પટેલનું ગત 13 એપ્રિલે કોરોનામાં મોત થયા બાદ તેમના પિતા જયંતીભાઈ અને માતા સીતાબેનને પણ 10 જ દિવસમાં કોરોના ભરકી ગયો હતો, ત્યારે જયંતિભાઈના પરિવારમાં કોઈ પણ સદસ્ય નહિ બચતા ઘરને તાળું મારવાની નોબત આવી હતી.
તો બીજી તરફ માતા વિહોણી બે દીકરીઓના પિતાનું પણ કોરોનામાં અવસાન થતાં બન્ને બહેનો આજે કાકાની છત્રછાયા નીચે જીવી રહી છે શેખપુર ગામે એકી સાથે એક મહિનામાં 37 લોકોના મોત થતા વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું , આરોગ્ય વિભાગની ટીમે પણ ઘરે ઘરે જઈ રેપીડ ટેસ્ટ , ઇમ્યુનિટી વર્ધક દવાઓ વિતરણ, વેકસીનેશન સહિત લોકોએ કોરોના સામે રાખવાની સાવચેતી બાબતે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા , તો બીજી તરફ સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યએ કોરોનાના આ કપરા કાળમાં ધારાસભ્ય કે સાંસદ સભ્ય ફરકયા સુધ્ધા ન હોવાની પણ રાવ કરી હતી.
મહુવા તાલુકામાં વધતા સંક્રમણને અટકાવવા 3 ધન્વંતરિ રથની ટિમને સતત કામે લગાવવામાં આવી છે , તેમજ જે ગામોમાં કોરોનાનું સંક્રમણ વધારે છે તે તમામ ગામોમાં સર્વેની કામગીરીની સાથે સાથે ટેસ્ટિંગની કામગીરી પણ વધારવામાં આવી છે શેખપુર ગામે વધતા કોરોના કેસોને અટકાવવા આરોગ્યની કોમ્બિગ 5 અને ધન્વંતરિની બે ટિમને ગામમાં ઉતારી દેવામાં આવી છે.
બારડોલી ખાતે કોવિડ કેર હોસ્પિટલોની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને મહુવા તાલુના આ પાંચ ગામોની પરિસ્થિતી બાબતે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે, તેઓએ આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે સાથે તમામ તાલુકાઓમાં સંગઠનની ટિમ પણ કામે લાગી છે અને મહુવા તાલુકામાં જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ છે સાથે જ કોરોના ગ્રસ્ત તમામ પરિવારોના મદદે સરકાર ઉભી રહેશે તેવું જણાવ્યું હતું.
કોરોનાની બીજી વેવ સમગ્ર દેશમાં ઘાતક સાબિત થઈ છે ત્યારે સુરત જિલ્લામાં પણ કપરી પરિસ્થિતિ છે, મહુવા તાલુકા આરોગ્ય વિભાગની ટિમ પણ સતત કામે લાગી છે તો બીજી તરફ મહુવા તાલુકામાં સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેથી સમયસર કોરોના દર્દીને સારવાર મળી શકે અને દર્દીનો બચાવ થાય.