સુરત: સુરતમાં કોરોના મહામારી (Corona pandemica) વચ્ચે આર્થિક સંકડામણ (Financial crisis)ને પગલે બેકારીનો ભોગ બનેલા વધુ બે યુવકોએ આપઘાત (Suicide) કરી લીધો છે. અમરોલીના રત્નકલાકારે (Diamond worker ends life) કતારગામ વિસ્તારમાં એસિડ પીને તો બીજા બનાવમાં બેકારીને લઈને યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સુરતમાં કોરોના મહામારી અને તેના પગલે લગાવવામાં આવેલા લૉકડાઉન બાદ આપઘાતના અનેક બનાવ સામે આવ્યા છે. કોરોના મહામારી બાદ અસંખ્ય લોકોનો વેપાર-ધંધો પહેલાની જેમ નથી ચાલી રહ્યો છે. અનેક લોકોને વેપાર-ધંધો બંધ કરવાની પણ ફરજ પડી છે. આ દરમિયાન પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ લાગતા અનેક લોકો હતાશ થઈને આપઘાત કરી રહ્યા છે. સુરતમાં આપઘાતની બે વધુ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
અમરોલીમાં શ્રીજી પાર્કની સામે કાર્તિકનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય ઝવેરભાઈ મેઘજીભાઈ પાંડવે સોમવારે બપોરે કતારગામમાં મગનનગર સોસાયટી પાસે આશુતોષ સ્કૂલની બાજુમાં જાહેર રસ્તા પર એસિડ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તેમને સારવાર માટે 108 એબ્યુલન્સ મારફતે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેનું ત્રણ કલાકની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સમગ્ર કેસમાં પોલીસે જણાવ્યું હતું કે ઝવેરભાઈ પૈસા લેવા જવાનું કહીને બહાર નીકળ્યા હતા. તેમને ઘર ચલાવવા નાણાકીય તકલીફ પડવા સાથે ઘરનું ભાડું પણ ચડી ગયું હોઇ પરેશાન રત્નકલાકારે અંતે અંતિમ પગલું ભરી લીધું હોવાની સંભાવના છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. કતારગામ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં અમરોલીમાં હળપતિવાસ નજીક ઇન્દિરાનગરમાં રહેતા 40 વર્ષીય ભીખાભાઈ ચીમનભાઈ રાઠોડે ગતરોજ રાત્રે પોતાના ઘરે લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધો હતો. ભીખાભાઇ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી છે, જે પૈકી મોટી પુત્રી પ્રિયંકા મહોલ્લાની બહાર મિત્રો સાથે રમવા જતી હતી. પિતા ભીખાભાઈએ તેને સાંજના સમયે બહાર ૨મવા ન જવાનો ઠપકો આપ્યો હતો.
આર્થિક તંગીને લીધે ભીખાભાઈનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. રવિવારે સાંજે પુત્રી પ્રિયકા મહોલ્લામાં મિત્રો સાથે રમતી દેખાતા તેને માર માર્યો હતો. પત્ની મનિષા વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. જે બાદમાં પત્ની મનીષા અને પુત્રી પ્રિયંકા ઘર નજીક રહેતી નણંદના ઘરે ચાલ્યા ગયા હતા. આ દરમિયાન ભીખાભાઈએ આવેશમાં આવીને આપઘાતનું પગલું ભરી લીધું હતું. અમરોલી પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.