સુરત : ભાજપના કાર્યકરે પરપ્રાંતીયોને વતન મોકલવા લાખો ઉઘરાવ્યા, ટિકિટ માંગતા શ્રમિકનું માથું ફોડી નાખ્યું

સુરત : ભાજપના કાર્યકરે પરપ્રાંતીયોને વતન મોકલવા લાખો ઉઘરાવ્યા, ટિકિટ માંગતા શ્રમિકનું માથું ફોડી નાખ્યું
પીડિત યુવક, ભાજપ કાર્યકર રાજેશ વર્મા.

સુરતમાં પરપ્રાંતીયોને વતન મોકલવા માટે વચેટીયાઓ ટિકિટના વધારે પૈસા પડાવવામાં આવતા હોવાનો આક્ષેપ, ભાજપના કાર્યકરે શ્રમિકનું માથું ફોડી નાખ્યું.

 • Share this:
  સુરત : સુરતમાંથી હાલ મોટા પ્રમાણમાં શ્રમિકો (Migrant Workers)ને તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે. આ માટે તંત્ર તરફથી ખાસ ટ્રેનો (Train) દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ શ્રમિકોને વતન મોકલવામાં પણ અમુક એજન્ટો (Agents) સક્રિય થઈ ગયા છે. આ લોકો મૂળ કિંમત કરતા વધારે કિંમતમાં ટ્રેનની ટિકિટ વેચી રહ્યા છે. સુરતના આવા જ એક કિસ્સામાં લિંબાયત વિસ્તારના ભાજપના એક કાર્યકરો (BJP Worker) પર શ્રમિકો પાસેથી ટિકિટના પૈસા ઉઘરાવી લીધા બાદ ટિકિટ (Ticket) અન્ય લોકોને વેચી દીધાનો આક્ષેપ થયો છે. જે વ્યક્તિએ ટિકિટ માટે પૈસા આપ્યા હતા તેણે ટિકિટ માંગતા ભાજપના કાર્યકરે તેના પર હુમલો કરી દીધો હતો. આ મામલે શ્રમિકે વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે શ્રમિકના માથામાંથી લોહી નીકળી રહ્યું છે.

  રાજ્ય પ્રમાણે ભાજપના કાર્યકરોને કામ સોંપાયું  મજૂરોને કોઈ તકલીફ ન પડે તે માટે ભાજપે તેમના કાર્યક્રોને રાજ્ય પ્રમાણે મજૂરોના નામની નોંધણી અને તેમની પાસેથી પૈસા લઈને ટિકિટ પહોંચાડવાનું કામ સોંપ્યુ છે. લિંબાયત વિસ્તારથી ઝારખંડ જવા માટે ભાજપે રાજેશ વર્મા નામના વ્યક્તિને કામ સોંપ્યું છે. ભાજપના રાજેશ વર્માને શ્રમિક વાસુદેવે તારીખ 5મેના રોજ 100 લોકોની ટિકિટ પેટે રૂ. 1.16 લાખ ચૂકવ્યા હતા. આ સમયે રાજેશ વર્માએ વાસુદેવને છઠ્ઠી મેના રોજ ટિકિટ લઈ જવાનું કહ્યું હતું. જોકે, ટિકિટ ન મળતા વાસુદેવે સાતમી મેના રોજ રાજેશ વર્માને ઘરે ગયો હતો અને ટિકિટની માંગણી કરી હતી. આ સમયે ભાજપના કાર્યકરે ટિકિટ આપવાને બદલે તેના માથામાં લાકડાનો ફટકો મારીને તેને લોહીલુહાણ કરી દીધો હતો.

  વાસુદેવે વીડિયો વાયરલ કર્યો

  આ ઘટના બાદ વાસુદેવે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે આક્ષેપ લગાવ્યો છે કે રાજેશ વર્માએ ટિકિટના પૈસા ઉઘરાવ્યા બાદ ટિકિટ લઈને કાળા બજારમાં બીજા લોકોને વેચી દીધી છે. તેના આક્ષેપ પ્રમાણે એક ટિકિટ બે હજાર રૂપિયામાં વેચવામાં આવી છે.

  હુમલાની ઘટના બાદ રાત્રે ભાજપના કાર્યકર રાજેશ વર્માની ઓફિસ બહાર લોકોનું ટોળું એકઠું થયું હતું. આ વાતની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. પોલીસ સમક્ષ ટોળાએ આક્ષેપ લાગવ્યો હતો કે રાજેશ વર્માએ પૈસા લઈને ટિકિટ આપી નથી. જે બાદમાં પોલીસે ટ્રેનની વ્યવસ્થા અને પૈસા પરત અપાવવાની ખાતરી આપ્યા બાદ મામલો થાડે પડ્યો હતો.

   

  ટ્રેનની ટિકિટના કાળા બજાર

  નોંધનીય છે કે આ પહેલા પણ ન્યૂઝ18 ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે સુરતમાંથી પરપ્રાંતીયોને ટ્રેન મારફતે તેમના વતન પહોંચાડવામાં ટિકિટના કાળાબજાર થઈ રહ્યા છે. એટલે કે ટ્રેનની ટિકિટના ભાવ કરતા વધારે પૈસા તેમની પાસેથી લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ કામદારો સીધા ટ્રેનની ટિકિટ લઈ શકતા નથી. જો કોઈ સમૂહમાં ટ્રેનની ટિકિટ બૂક કરાવવા પહોંચે છે તો તેમને એજન્ટનો સંપર્ક કરવાનું કહેવામાં આવે છે. એટલે કે ટ્રેનની ટિકિટ માટે સુરતમાં ખાસ ચેન ચાલી રહી છે. જેના માધ્યમથી જ ટિકિટ બૂક થાય છે. આ ટિકિટ મુસાફરો સુધી પહોંચે ત્યારે તેમાં તમામ લોકોનું કમિશન ઉમેરાય છે. એટલે કે તેમની પાસેથી વધારે પૈસા પડાવવામાં આવે છે.
  Published by:News18 Gujarati
  First published:May 08, 2020, 10:36 am

  ટૉપ ન્યૂઝ