સુરતમાં ઓફિસર કમાન્ડિંગ ટર્નઆઉટ ચેક કરવાના બહાને ઈરાદાપૂર્વક મહિલા હોમગાર્ડની છેડતી કરતો હોવાનો આક્ષેપ મહિલા હોમગાર્ડે લગાવ્યો છે, આ ફરિયાદ બાદ પોલીસબેડામાં ચર્ચા જાગી છે, બીજી બાજુ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા ચછે.
પરેડ ગ્રાઉન્ડ પર આવીને મહિલાઓ પાસે ટર્નઆઉટ ચેક કરવાના બહાને ઈરાદાપૂર્વક મહિલા હોમગાર્ડનો ઓફિસર કમાન્ડિંગ સોમનાથ ગહેરવાલ છેડતી કરતો હોવાનો આક્ષેપ મહિલા હોમગાર્ડે લગાવ્યો છે. એટલું જ નહીં, મહિલા હોમગાર્ડ ઈનચાર્જ ભાવના કંથારિયા પણ મહિલાઓનું શોષણ કરતી હોવાની વાત સામે આવી છે. જેમાં હોમગાર્ડ ઇનચાર્જ સોમનાથ ગહેરવાલ સામે મહિલાઓએ એવો આક્ષેપ કર્યો કે સોમનાથ બધી હોમગાર્ડ મહિલાઓને કહે છે કે, ‘જો તમે મને ખુશ નહીં રાખો તો તમને નોકરી પર રાખીશ નહીં અથવા દૂર-દૂરના નોકરીનાં પોઇન્ટ આપીશ.’ તેમ જ પરેડ ગ્રાઉન્ડ પર પરેડ વખતે મહિલા હોમગાર્ડને ટર્નઆઉટ ચેક કરવાના બહાને ઓફિસર કમાન્ડિંગ સોમનાથ ઇરાદાપૂર્વક મહિલા હોમગાર્ડની શારીરિક છેડતી કરે છે.
હોમગાર્ડ મહિલાઓએ લેખિતમાં ફરિયાદ કરી હતી
આ ઉપરાંત ખુદ મહિલા હોમગાર્ડ ઇનચાર્જ ભાવના કંથારિયા બીભત્સ શબ્દોનો ઉપયોગ કરીને કહે છે કે, ‘તમારે સાહેબને ખુશ રાખવા જ પડશે તો જ તમારી નોકરી ટકશે. અને સાહેબ (સોમનાથ) બોલાવે ત્યારે તેના ઘરે પણ જવું જ પડશે.’ આવી શારીરિક અને માનસિક શોષણ બાદ છેવટે કંટાળીને હોમગાર્ડમાં ફરજ બજાવતી 25 જેટલી મહિલાઓ શુક્રવારે પોલીસ કમિશનર કચેરી પહોંચી સી ઝોન યુનિટની મહિલાઓએ હોમગાર્ડની મહિલા ઈનચાર્જ ભાવના કંથારિયા અને ઓફિસર કમાન્ડિંગ સોમનાથસિંહ ગહેરવાલની વિરુદ્ધમાં પોલીસ કમિશનરમાં અરજી આપી છે. અરજીમાં મહિલાઓએ શારીરિક-માનસિક અને જાતીય શોષણ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે.
એક મહિલા હોમગાર્ડએ જણાવ્યું કે અમારું ઉપરી અધિકારીઓ દ્વારા પણ શોષણ કરવામાં આવે છે. માનસિક શોષણ કરવાની સાથે તેમને ઘરકામ માટે અધિકારીઓ બોલાવતા હોય છે. અગાઉ પણ અમે અનેક વાર અરજી આપી ચુક્યા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આખરે પોલીસ કમિશનરને ફરિયાદ કરવી પડી છે. વધુમાં સોમનાથ ગહેરવાલ જજનો ડ્રાઇવર છે. તેની નોકરી કોર્ટમાં હોવા છતાં તે મોટા ભાગનો સમય કચેરીમાં દેખાય છે. નોંધનીય છે મી ટુ મુવમેન્ટમાં બાકી રહેલા સુરતમાં પણ મહિલા હોમગાર્ડે અરજી કરતા ફફડાટ ફેલાયો છે.
સમગ્ર આક્ષેપો અંગે કમાન્ડન્ટ ડો. પ્રફુલ્લ શિરોયાએ જણાવ્યું કે મહિલા હોમગાર્ડઓએ જે આક્ષેપો કર્યા છે તે ખોટા છે. છતાં મહિલા હોમગાર્ડ અમને આ બાબતે પુરાવા આપશે તો ચોક્કસ તપાસ કરીને કાર્યવાહી કરાવીશું. આ બાબતે ડેપ્યુટી કમાન્ડર અને સ્ટાફ ઓફિસર લીગલને તપાસ સોંપી છે. અગાઉ વર્ષ 2012માં પણ એક મહિલા હોમગાર્ડની ફરિયાદ આવી હતી. જેમાં અમે ડીવાય એસપી પાસે તપાસ કરાવી હતી. જેમાં કોઈ પુરાવા મળ્યા ન હતા.