સુમુલની ચુંટણી બની હાઈ પોલિટિકલ ડ્રામા : તમામના ગણિત ઊંધા, ભાજપ કોને આપશે 4 હજાર કરોડનો વહીવટ?


Updated: August 9, 2020, 4:34 PM IST
સુમુલની ચુંટણી બની હાઈ પોલિટિકલ ડ્રામા : તમામના ગણિત ઊંધા, ભાજપ કોને આપશે 4 હજાર કરોડનો વહીવટ?
સુમુલ ડેરી - સુરત

સુમુલની હાઈવોલ્ટેજ પોલિટીકલ ડ્રામા વચ્ચે યોજાયેલી ચૂંટણીનું પરિણામ બંન્ને બળિયા જૂથ વચ્ચે એક સરખું રહ્યું છે.

  • Share this:
સુરત : સુમુલની હાઈવોલ્ટેજ પોલિટીકલ ડ્રામા વચ્ચે યોજાયેલી ચૂંટણીનું પરિણામ બંન્ને બળિયા જૂથ વચ્ચે એક સરખું રહ્યું છે. સુમુલની 16 બેઠકો પૈકી રાજુ પાઠક(સત્તાધારી પક્ષ)ને 8 જ્યારે માનસિંહ પટેલ-ગણપત વસાવા(સહકાર પક્ષ)ને ફાળે 8 બેઠક આવી છે. ભ્રષ્ટાચારના આરોપ, ભાજપ હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી ટાળવાના પ્રયાસ, આદિવાસી મતદાતાઓના નામે ચૂંટણી લડવાની યોજનાઓ વચ્ચે આવેલા સરખા પરિણામ પાછળનું કારણ સોનગઢ બેઠક બની છે. સોનગઢ બેઠક પરના બંન્ને ઉમેદવારોને મળેલા સરખા આવેલી સરખા મતના કારણે ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરવામાં રાજુ પાઠક જૂથના ફાળે તે બેઠક આવી છે.

બે માસ અગાઉ ભ્રષ્ટાચારના આરોપ સાથે માજી સાંસદ અને સુમુલના માજી ચેરમેન માનસિંહ પટેલે 2 કેબિનેટ મંત્રી, 2 સાંસદો, કો.ઓપરેટીવ બેંક અને સુગર ડેરીના આગેવાનોને સાથે રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તે વખતના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ફરિયાદ કરી હતી. ભાજપ હાઈકમાન્ડે હસ્તક્ષેપ કરીને ચૂંટણી ટાળી બંન્ને જુથો વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્નો કર્યો હતા. જોકે, સમાધાનની વાતને ફગાવી રાજુ પાઠક જૂથ સામે માનસિંહ પટેલે કેબિનેટ મંત્રી ગણપત વસાવા, સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ, સુમુલના વાઈસ ચેરમેન રિતેશ વસાવા, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ અને પ્રદેશ પ્રમુખના હાથે ભાજપનો ખેસ ધારણ કરનાર જયેશ પટેલ(દેલાડ) સાથે મળીને સહકાર પેનલ રચી ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી. આ ઘટના વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરી સમાધાન માટેના ફોર્મ્યુલા આપતાં રાજુ પાઠક અને માનસિંહ જૂથના આગેવાનોને તેડાવ્યા હતા. તેમજ સુમુલના 11 સિટીંગ ડિરેક્ટરોને જ રિપીટ કરી તેમની સામે ઉભેલા ભાજપને વરેલા ઉમેદવારોને બેસાડવાની જવાબદારી જે-તે જૂથના આગેવાનોને આપી ભાજપ વિરુધ્ધ ભાજપની લડાઈ ટાળવાનો હતો. છેવટે ચૂંટણી થઈને રહી, પરંતુ મતદાન પૂર્વે જ 2 બેઠકો બિનહરીફ થતાં તે માનસિંહ પટેલ-ગણપત વસાવા જૂથના ફાળે ગઈ હતી. 16 પૈકી 14 બેઠકની થયેલી ચૂંટણીમાં 8 પર રાજુ પાઠકે, 6 પર માનસિંહ પટેલ-ગણપત વસાવાએ જીત મેળવી છે.

સોનગઢ બેઠક પર એક સમાન મત થતાં ચિઠ્ઠી ઉછાળાય અને રાજુ પાઠક જૂથના કાંતિ ગામીતે જીત મેળવી

સોનગઢ બેઠક પર 100 ટકા મતદાન થયું હતું, રવિવારે મતગણતરીના ત્રીજા રાઉન્ડમાં સોનગઢ બેઠકમાં 115 મતની થયેલી ગણતરીમાં 1 બેલેટ પર બે ઉમેદવારોના નામની વચ્ચે મતદાતાએ સિક્કો મારતાં તે મત ચૂંટણી અધિકારી સંજય રજવાડીએ રદ્દ ગણતા 114 મત પૈકી માજી મંત્રી એવા રાજુ પાઠક જૂથના કાંતિ ગામીતને 57 જ્યારે માનસિંહ પટેલ જૂથના અરવિંદ ગામીતના ફાળે 57 મત આવતાં ટાઈ થઈ હતી. 13 બેઠકની મતગણતરી બાદ સૌથી છેલ્લે સોનગઢ બેઠક પર ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. તે પહેલાં સહકાર જૂથના ફાળે 8 જ્યારે રાજુ પાઠક જૂથના ફાળે 7 બેઠકનો સ્કોર રહ્યો હતો. ચિઠ્ઠી ઉછાળતાં સોનગઢ બેઠકના રાજુ પાઠક જૂથના કાંતિ ગામીતનું નામ સામે આવતાં બંન્ને જૂથે સરખી બેઠક આવી છે.

તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને જોતાં ચેરમેન-વાઈસ ચેરમેનને મેન્ડેટ અપાય તેવી ચર્ચા

આગામી દિવસોમાં થનારી તાપી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની ચૂંટણીઓને ધ્યાને રાખીને સુમુલ ડેરીના ચેરમેનની નિમણુંક કરવામાં આવી શકે છે. બીજી તરફ કોંગ્રેંસ દ્વારા સુમુલના બે મહત્વના હોદ્દાઓમાંથી એક હોદ્દો આદિવાસી ઉમેદવારને આપવા માટે માંગ ઉઠી છે. ત્યારે ચેરમેન-વાઈસ ચેરમેન પદ્દે ચર્ચાઈ રહેલા માનસિંહ પટેલ, સુનિલ ગામીત, રાજુ પાઠક, સંદીપ દેસાઈ, જયેશ દેલાડ, નરેશ પટેલના નામમાંથી કોને સત્તાની સોંપણી થાય છે તે જોવાનું રહેશે.ચોર્યાસી બેઠક પર ક્રોસ વોટીંગની ચર્ચા વચ્ચે સુમુલમાં ઝંપલાવનાર સંદીપ દેસાઈએ મેદાન માર્યુ

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચોર્યાસી બેઠક પર સમાધાન કરાવી દેતાં સંદીપ દેસાઈની સામે ઉભેલા ઉમેદવાર અજીત પટેલ મોડે-મોડે ટેકો જાહેર કર્યો હતો. જોકે, ટેકો જાહેર કર્યા છતાં પણ જિલ્લા ભાજપના નેતાઓએ સંદીપ દેસાઈને હરાવવા માટે સમધાન તોડીને અજીત પટેલને મત અપાવવા મહેનત કરી હોવાની ચર્ચા હતી. જોકે, રવિવારે આવેલા પરિણામમાં સંદીપ દેસાઈ અને અજીત પટેલની 8 મતવાળી બેઠક ચોર્યાસીમાં 6 મત સંદીપ દેસાઈ જ્યારે 2 મત અજીત પટેલને મળતાં સંદીપ દેસાઈએ ચોર્યાસી બેઠક પર મેદાન માર્યુ હતું.

ઓલપાડ બેઠકના બ્રિજેશ પટેલને ટેકાની કરેલી જાહેરાતનું 100 ટકા પાલન કર્યુ

રાજુ પાઠક જૂથના અને ઓલપાડ ભાજપ તાલુકા પ્રમુખ બ્રિજેશ પટેલે હરીફ ઉમેદવાર જયેશ પટેલ(દેલાડ)ને મતદાન પૂર્વે જ ટેકો જાહેર કર્યો હતો. તે ટેકાનું એકમાત્ર એવી ઓલપાડ બેઠક પર પાલન થયું છે. કુલ 42 પૈકી 38 મતદાતાઓએ મત આપ્યો હતો. તે 38 સહિત બ્રિજેશ પટેલે પોતાનો મત જયેશ પટેલને આપ્યો છે.

આદિવાસી ફેક્ટરને આગળ કરનાર સહકાર પેનલનો તે ચૂંટણી કાર્ડ ફેઈલ

માનસિંહ પટેલ-ગણપત વસાવા દ્વારા સૌથી વધુ મતદાતાઓ આદિવાસી પશુપાલકો હોઈ તે અને આવનારા દિવસોમાં પશુપાલકો માટે પારદર્શી વહીવટની સ્થાપના થાય તે ફેક્ટર દર્શાવીને આદિવાસી ચેરમેન બને તેવી મહેચ્છા વ્યક્ત કરાઈ હતી. જોકે,સત્તાધારી પેનલે આદિવાસી બહુમતી ધરાવતી તાપી જિલ્લા બેઠકો કુકરમુંડા, નિઝર, ઉચ્છલ અને સોનગઢ બેઠક પર રાજુ પાઠક જૂથે જીત મેળવી છે. તે પ્રમાણે સુરત જિલ્લાની આદિવાસી બહુમત ધરાવતી બેઠક માંડવી અને માંગરોળ પર પણ જીતને ઝંડો લહેરાવ્યો છે. જ્યારે સહકાર પેનલે તાપી જિલ્લાની વ્યારા અને ડોલવણ બેઠક પર જીત મેળવી છે અને સુરત જિલ્લાની મહુવા પર માનસિંહ પટેલે જીત મેળવવામાં સફળતાં મળી હતી. તે જોતાં માનસિંહ પટેલ-ગણપત વસાવા જૂથનો આદિવાસી સાથે પારદર્શિતા નહીં રાખવાનો મુદ્દો નિષ્ફળ બન્યો હોઈ તેવી ચિત્ર ફલિત થયું છે. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાની 7 અને સુરત જિલ્લાની 2 બેઠકો પર 100 ટકા મતદાન થયું છે.

કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારના મત વિભાજનના કારણે માનસિંહ પટેલ જીતી શક્યાની ચર્ચા

સુમુલની ડેરીની મહુવા બેઠક પર સત્તાધારી પેનલના પ્રણેતા રાજુ પાઠક દ્વારા કોઈ પણ ઉમેદવાર ઉતારવામાં આવ્યો નહીં હતો. તેની જગ્યાએ અપક્ષ ઉમેદવાર જીગર નાયક અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે ઉમેદવારી કરતાં સહકાર પેનલના પ્રણેતા માનસિંહ પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ થયો હતો. જેમાં માનસિંહ પટેલને 29 મત જ્યારે જીગર નાયક અને દિનેશ પટેલને 16-16 સરખા મત મળ્યા છે. જો આ અપક્ષ અને કોંગ્રેંસના ઉમેદવારો સાથે મળીને ચૂંટણી લડતે તો માનસિંહ પટેલ માટે જીત કપરા ચઢાણ સમાન બનતે. ઉલ્લેખનીય છે કે, માનસિંહ પટેલ પોતે કોરોનાગ્રસ્ત હોવાના કારણે પોતાનો મત આ ચૂંટણીમાં આપી શક્યાં નહીં.
Published by: kiran mehta
First published: August 9, 2020, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading