સુરત: શ્રીલંકામાં આર્થિક કટોકટી (Sri Lanka economic crisis) સતત ઘેરી બની રહી છે.જેના કારણે ત્યાંનો વેપાર , ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો છે. જેની સીધી અસર સુરતના કાપડ બજાર (Surat textile industry ) પર પડી રહી છે. સુરતના કાપડ વેપારીઓના અંદાજે 50 કરોડથી વધુ રુપિયા સલવાતા વેપારીઓ અટવાયા છે.
સુરત પોલિએસ્ટર કાપડના હબ તરીકે જાણીતું છે. સુરતમાં બનેલા કપડા દેશ-વિદેશમાં વેચાય છે. સુરતમાં બનતા કપડા સસ્તા હોવાના કારણે એશિયાના ઘણા દેશોમાં સુરતી કપડાની ખૂબ માંગ છે. સુરતમાં બનતી સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સની અમેરિકા અને યુરોપમાં પણ નિકાસ થાય છે. શ્રીલંકામાં પણ સુરતી કપડાંની ખૂબ માંગ છે.સુરતમાં બનતા કપડા ચેન્નાઇ ના વેપારીઓ ખરીદે છે અને ત્યાંથી શ્રીલંકામાં નિકાસ કરે છે.
આ અંગે ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથન શારદાએ જણાવ્યું હતું કે, સુરતથી શ્રીલંકા દર મહિને અંદાજે 20 કરોડનું કાપડ મોકલવામાં આવતું હતું. શ્રીલંકાના કેટલાક વેપારીઓ સીધા સુરતથી કાપડ મંગાવતા હતા અને કેટલાક લોકો ચેન્નાઈના વાયા થઈ ને વેપારીઓ પાસેથી માલ ખરીદતા હતા. આ રીતે બંને રીતે સુરતનું કાપડ મોટા પાયે શ્રીલંકા મોકલવામાં આવતું હતું.પરંતુ હાલમાં શ્રીલંકાની બગડેલી પરિસ્થિતિના લીધે કાપડનો માલ ત્યાં જવાનો બંધ થઈ ગયો છે. સુરતથી શ્રીલંકા કપડા વેચતા વેપારીઓના પૈસા ફસાઈ ગયા છે. એક અંદાજ મુજબ શ્રીલંકામાં સુરતના વેપારીઓના રૂ.50 કરોડનું પેમેન્ટ અટવાયું છે.
આ અંગે કાપડ વેપારી ગૌતમ ભાઈએ જણાવ્યું હતું કે, શ્રીલંકાના ઘણા વેપારીઓ સુરતના વેપારીઓ પાસેથી એજન્ટો મારફત સીધો માલ ખરીદે છે, જે મુંબઈ કે દિલ્હી થઈને કોલંબો પહોંચે છે.ત્યાંના વેપારીઓ સુરતમાંથી મોટા પાયે સાડીઓ ખરીદે છે. પરંતુ આ દિવસોમાં શ્રીલંકામાં સ્થિતિ વણસેલી છે. ત્યાં રૂપિયાના અવમૂલ્યનને કારણે ત્યાંથી પેમેન્ટ આવતું બંધ થઈ ગયું છે. જેના કારણે અહીંના અનેક વેપારીઓને પેમેન્ટ મળતું નથી.
શ્રીલંકામાં આર્થિક કટોકટીની સુરતના કાપડ બજારને અસર
તેમણે વધુમાં જણાવ્યુ કે, બીજી તરફ ત્યાં શિપિંગ પણ બંધ થઈ ગયું છે. જેના કારણે સુરતના કાપડ બજારને ફટકો પડ્યો છે. સુરતની સાડીઓ મોટા પાયે શ્રીલંકામાં મોકલાતી હતી જે હવે બંધ થઈ ગઈ છે.જેને લઈ વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, શ્રીલંકામાં લોકોને જીવન જીવવા માટે મૂળભૂત વસ્તુઓની પણ અછત છે. હાલ ત્યાં લોકો પેટ્રોલ, ડીઝલ, દવા, અનાજ વગેરે માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર