સુરત શહેરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે પ્રશાસન દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહાયા છે. તેમ છતા પણ યોગ્ય રીતે હીરા કારખાનાના માલિકો ગાઇડલાઇનનો પ્રોપર અમલ ન કરતા હોવાને કારણે હીરા કારખાનામાં પોઝિટિવ કેસો આવી રહ્યા છે. આજે મનપા દ્વારા પાંચ હીરા કારખાનામાં ચેકીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી 16 પોઝિટિવ કેસો મળી આવતા તે કારખાનાના વિભાગોને બંધ કરાવી કર્મચારીઓને કોરેન્ટાઇન કરવાની પ્રોસેસ હાથ ધરી હતી. તેમજ આ કારખાના માલિકો પાસેથી 11 હજાર સુધીનો દંડ પણ વસુલ કર્યો હતો.
સુરત શહેરમાં એક સમય એવો આવ્યો હતો કે, કતારગામ વિસ્તારમાં રત્નકલાકારોમાં કોરોના સંક્રમણ ખુબજ વધી ગયુ હતું. જેથી અનલોકમાં પણ આ બઝાર અને હીરાના કારખાનાઓને બંધ રાખવાનો વારો આવ્યો હતો. પરંતુ મનપા દ્વારા ખાસ ગાઇડ લાઇન સાથે આ કારખાનાઓ શરૂ કરવા માટે મંજુરી આપી હતી. જેમાં તમામ હીરામાં કામ કરતા કર્મચારીઓના ટેસ્ટ કરાવવા તેમજ ડિસ્ટન્સ જાળવાની શરતો મુકવામાં આવી હતી. તેમ છતા પણ હીરા કારખાના દ્વારા એસઓપી પાલન કરવામાં આવતું નથી. જેથી જ ખાસ કરીને મનપા દ્વારા હિરા કારખાનાઓમાં આકસ્મીત ચેકિંગ કરવાની સાથે કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પણ સ્થળ પર કરવામાં આવે છે. આજે મનપા દ્વારા પાંચ હીરા કારખાનાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જયા 16 જેટલા કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.
મનપા દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલા હીરા યુનીટોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સૌથી પહેલા કતારગામ આંબાવાડી વિસ્તારમાં આવેલ રીજિયા બ્રધર્સમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ચોથા માળે આવેલા કયુ સી ડિપાર્ટ મેટન્ટ માથી 6 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા જેથી ચોથા માળના યુનીટને સીલ કરી દેવામાં આવ્યો હતો અને 13 કર્મચારીઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પટેલ ફળીયામાં આવેલ રીજિયા બ્રધર્સની બીજી બ્રાન્ચમાંથી પાંચમા માળે કલીવિંગ ડિપાર્ટમેન્ટમાંથી 6 પોઝિટિવ કેસ આવતા તે માળને પણ સિલ કરવામાં આવ્યો હતો, જયા કામ કરી રહેલા 15 કર્મચારીઓને કોરેન્ટાઇન કરવાની પ્રોસેસ હાથ ધરાઇ હતી. જયારે નંદુ ડોસીની વાડીમાં આવેલા આર બી જેમ્સ ખાતેથી એક કર્મચારી પોઝિટિવ મળી આવતા યુનીટના 4પી વિભાગને સિલ મારી 13 કર્મચારીઓને કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.
કતારગામ બંબાવાડી વિસ્તારમાં આવેલ ચિંતન ઇમ્પેક્ષમાંથી બે કેસ પોઝિટિવ મળી આવતા સરિન વિભાગ બંધ કરવામાં આવ્યું હતું. જયા કામ કરી રહેલા 48 કર્મચારીઓને કોરેન્ટાઇન કરવાની કામગીરી કરાઇ હતી. જયારે પાંચ કતારગામ બાળ આશ્રમ પાસે આવેલ સનરેઝ ડાયમંડ માથી એક કેસ પોઝિટિવ આવતા બ્લોકિંગ વિભાગને બંધ કરી 8 કર્મચારીઓને કોરેન્ટાઇન કરાયા હતા. આમ કુલ આજે પાંચ હિરા કારખાનામાંથી 16 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા જેને લઇને 97 કર્મચારીઓન કોરેન્ટાઇન કરવાની સાથે તેમની પાસેથી 11 હજારનો દંડ પણ વસુલ કરાયો હતો.