સુરત: સુરત શહેરમાં ફરી એકવાર માનવજાતે શરમાવવું પડે તેવો બનાવ બન્યો છે. અહીં પરિવાર સાથે ફૂટપાથ (Footpath) પર રહેતી ફક્ત સાત વર્ષની બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય કરવામાં આવ્યું છે. બાળકીનું કોઈ ઇસમ અપહરણ (Kidnapping) કરી ગયો હતો. જે બાદમાં તેના શરીર પર બચકાં ભરવામાં આવ્યા હતા. સાથે જ દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ (Arrest) કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય કરનાર શખ્સને તડીપાર કરવામાં આવ્યો હતો. જોકે, તેણે તડીપારનો ભંગ કરીને બાળકી સાથે આવું કૃત્ય આચર્યું હતું.
સુરતમાં છેડતી અને દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે. નાની બાળકીઓ પણ હવસખોરોનો શિકાર બની રહી છે. હવે આવો વધુ એક બનાવ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે હેવાનિયતનો ભોગ બનેલી બાળકી સુરતના લાલગેટ વિસ્તાર (Surat lalgate area)માં ફૂટપાથ પર ઝૂંપડામાં પોતાના પરિવાર સાથે રહે છે. પરિવાર રાત્રે ઊંઘી ગયો હતો ત્યારે સાત વર્ષની બાળકી પોતાની માતા સાથે ઊંઘી રહી હતી.
આ દરમિયાન નરાધમ રાત્રે અઢી વાગ્યાની આસપાસ બાળકીનું અપહરણ કરી ગયો હતો. બાળકી અવાજ ન કરે તે માટે નરાધમે તેણીનું મોઢું દબાવી દીધું હતું. જે બાદમાં તેણે બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય કર્યું હતું. થોડા સમય બાદ બાળકી રડતી રડતી પોતાના પરિવાર પાસે આવી હતી. બાળકીએ તેની સાથે જે પણ થયું હતું તે વિગત તેની માતાને જણાવી હતી. આ સાંભળીને તેની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આ મામલે પરિવારે સવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપોની શોધખોળ કરવા માટે આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જે બાદમાં જમ્મુ પઠાણ નામના આરોપીની ઓળખ થઈ હતી. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આરોપી જમ્મુ પઠાણ સામે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આરોપીએ કબૂલાત કરી છે કે તેણે બાળકીને 10 રૂપિયા આપીને બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી એટલી નાની છે કે તેણી તેની સાથે શું બન્યું છે તેનું યોગ્ય વર્ણન પણ કરી શકતી નથી. પૂછપરછ દરમિયાન બાળકીને જ્યારે રમવા માટે ટેડી બિયર આપવામાં આવ્યું ત્યારે તેણીએ ટેડી બિયરનું ગળું દબાવીને કહ્યું હતું કે, આરોપીએ આ રીતે મારું ગળું દબાવ્યું હતું. આ ઉપરાંત બાળકીના શરીર પર બચકાં ભર્યાંના નિશાન જોવા મળ્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી જમ્મુ પઠાણને શહેરમાંથી તડીપાર કરવામાં આવેલો છે. જમ્મુ પઠાણ હત્યાના પ્રયાસના એક કેસમાં આરોપી છે. અશરફ નાગોરીની હત્યાના પ્રયાસમાં પોલીસે જમ્મુ પઠાણની પણ ધરપકડ કરી હતી. જમ્મુ પઠાણ તડીપારની મર્યાદા પૂરી થાય તે પહેલા જ શહેરમાં જોવા મળતા પોલીસે આ મામલે પણ ગુનો નોંધી વધારે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર