Home /News /south-gujarat /આસારામ સામે બળાત્કાર કેસમાં આજે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી

આસારામ સામે બળાત્કાર કેસમાં આજે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી

આસારામ ફાઇલ તસવીર

સુરતની યુવતી પર બળાત્કાર કરવાના કેસમાં આજે આસારામ સામે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આસારામ હાલમાં જોધપુર જેલમાં બંધ હોવાથી તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર રહેશે. ગત સુનાવણી વખતે આસારામ કોર્ટમાં હાજર રહ્યો ન હતો. આ મામલે અત્યાર સુધી 29 સાક્ષીઓના નિવેદન લેવામાં આવી ચુક્યા છે. બળાત્કારના આ કેસમાં હજુ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવી શકે છે. આ કેસમાં પીડિત યુવતીની ઉલટ તપાસ પૂર્ણ થઈ ગઈ છે.

આસારામ સામે સુરતમાં 2013ના વર્ષમાં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે બળાત્કારના એક કેસમાં તાજેતરમાં જ આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આસારામ ઉપરાંત તેના બે સાથી શિલ્પી અને શરદને કોર્ટે 20-20 વર્ષની સજા ફટકારી છે. જનમટીપની સજા પડતાં આસારામે હવે આજીવને જેલમાં જ રહેવું પડશે.

શું છે કેસ?

સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે. જ્યારે નારાયણ સામે સુરતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

ગત સુનાવણીમાં આસારામની પુત્રી રહી હતી હાજર

આસારામ સામે બળાત્કારના કેસની ગત સુનાવણી વખતે આસારામની પુત્રી ભારતી કોર્ટમાં હાજર રહી હતી. સુનાવણી બાદ ભારતીએ મીડિયા સાથે વતા કરતા કહ્યું હતું કે, જોધપુર લીગલ ટીમ અમારા સંપર્કમાં નથી. આસારામ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ભારતીએ કહ્યું હતું કે, બાપુ વિશે તેમને જ પૂછવું પડશે. સંતો ઉપર આવા આરોપ લાગતા રહ્યા છે. ઘણા સંતો ઉપર આવા આરોપો લાગ્યા છે. મારી સંસ્થા આશ્રમથી અલગ છે. છેલ્લા 17 વર્ષથી આશ્રમના મેનેજમેન્ટથી અમે અલગ છીએ.
First published:

Tags: Life imprisonment, Surat girl, આસારામ, નારાયણ સાઇ, બળાત્કાર