'મને ગુનો કબૂલ નથી,' બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા

News18 Gujarati
Updated: October 10, 2019, 2:33 PM IST
'મને ગુનો કબૂલ નથી,' બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા
રાહુલ ગાંધી

સુરત બાદ 11મી તારીખે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે એક કેસમાં કોર્ટમાં હાજરી આપશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બદનક્ષીના કેસમાં હાજરી આપવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. રાહુલ 10 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી કોર્ટ સુધી અલગ અલગ સાત જગ્યાએ પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  રાહુલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડિયાની ફાસ્ટટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતા.  સુરત બાદ 11મી તારીખે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે એક કેસમાં કોર્ટમાં હાજરી આપશે. બદનક્ષીમાં કેસમાં હવે પછી 10મી ડિસેમ્બરે વધુ સુનાવણી થશે.

રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એરપોર્ટથી જ તેમને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.

10મી ડિસેમ્બરે વધુ સુનાવણી થશે

રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા બાદ 10:45 વાગ્યે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાહુલ 10:30 વાગ્યે કોર્ટરૂમમાં પહોંચી ગયા હતા. કોર્ટમાં રાહુલને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને ગુનો કબૂલ છે કે નહીં? જેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે મને ગુનો કબૂલ નથી. બીજી તરફ રાહુલ ગાંધીએ હવે પછીની સુનાવણીમાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજી પણ કરી હતી. ફરિયાદી તરફથી રાહુલ ગાંધીને વકીલે કરેલી અરજીનો વિરોધ કરાયો હતો. જોકે, કોર્ટે આ અરજી મંજૂર રાખતા રાહુલે હવે કોર્ટના ધક્કા નહીં ખાવા પડે. આ કેસની વધુ સુનાવણી 10મી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.શું હતો કેસ?સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં રાહુલ ગાંધીએ બેંગલુરુના એક ગામની સભા દરમિયાન 'બધા મોદી ચોર છે' તેવા નિવેદન મુદ્દે ફરિયાદ કરી હતી. આ કેસમાં ગુરૂવારે તારીખ હોવાથી રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા માટે સુરત આવી પહોંચ્યો છે. કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ પરત રવાના થશે.

કાયદાને કાયદાનું કામ કરવા દો : અહેમદ પટેલ

રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સુરતમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, "તેમને સમન પાઠવવામાં આવ્યું હોવાથી તેઓ સુરત આવી રહ્યા છે. કાયદાને તેનું કામ કરવા દો. કોર્ટ ક્યારે પોતાનો ચુકાદો આપશે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. જજ જે પણ કહેશે તે પૂર્ણ કરવામાં આવશે."રાહુલ ગાંધી પર થયેલી બદનક્ષીના કેસ મામલે નિવેદન આપતા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે,  "લોકતંત્રમાં સત્તામાં રહેલી પાર્ટીએ વિપક્ષ તરફથી થતી ટીકાને સહન કરવાની તૈયારી રાખવી જોઈએ. રાહુલજીએ કહ્યુ હતુ કે લલીત અને નીરવ મોદી ચોર છે અને નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યા છે. બીજેપીએ રાહુલ ગાંધીના નિવેદનને મોદી સમાજ સાથે જોડી દીધું હતું અને તેમનું અપમાન કર્યું હતું."
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर