Football World Cup 2018

સુરતઃ વીએચપીના નેતા પ્રવીણ તોગડિયાની કારને અકસ્માત

News18 Gujarati
Updated: March 7, 2018, 3:14 PM IST
સુરતઃ વીએચપીના નેતા પ્રવીણ તોગડિયાની કારને અકસ્માત
અકસ્માતમાં તોગડિયાની કારને સામાન્ય નુકસાન થયું છે
News18 Gujarati
Updated: March 7, 2018, 3:14 PM IST
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાની કારને સુરતના કતારગામ ખાતે અકસ્માત નડ્યો છે. મળતી માહિતી પ્રમાણે પ્રવીણ તોગડિયાની સ્કોર્પિયો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી.

અકસ્માત બાદ પ્રવીણ તોગડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'મારી હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. બુલેટપ્રુફ ગાડી હોવાને કારણે અકસ્માતમા મારો બચાવ થયો છે. '

પત્રકાર પરિષદમાં તોગડિયાએ શું કહ્યું?

બનાવ બાદ સુરત ખાતે પત્રકાર પરિષદમાં તોગડિયાએ કહ્યું હતું કે, 'સોમવારે સાંજે પાંચ વાગ્યે મેં લેખિતમાં પોલીસને સૂચના આપી છતાં મને સુરત પોલીસ દ્વારા પાયલટ ગાડી જ આપવામાં આવી હતી. એસ્કોર્ટ ગાડી ન હોવાને કારણે મારી ગાડી સુરક્ષિત ન હતી. ઝેડ પ્લસ સુરક્ષા હોવા છતાં મને અકસ્માતનું જોખમ છે. મને ગુજરાત પોલીસ અને સરકાર પર વિશ્વાસ છે, પરંતુ મેં સાંજે સૂચના આપી હતી તો પણ મને ગાડી કેમ ન આપવામાં આવી? ટ્રકના ડ્રાઇવરે બ્રેક જ મારી ન હતી. 21 વર્ષ પછી મારી સામે આત્મારામનો કેસ કાઢવામાં આવે છે. વિરોધ પછી કેસ પાછો ખેંચી લીધો. તમને ત્રિપુરામાં લેનિનનું પૂતળું હટાવવાનું દુઃખ થાય છે, પરંતુ ગૌરક્ષકોને ગુંડા કહેવામાં આવે છે ત્યારે દુઃખ નથી થતું. અકસ્માત કરનાર ડ્રાઇવરની તપાસ થવી જોઈએ.'

મારી સુરક્ષામાં છીંડાઃ તોગડિયા

બનાવ બાદ તોગડિયાએ જણાવ્યું હતું કે મારી સુરક્ષામાં છીંડા કરવામાં આવ્યા છે. અકસ્માત વખતે ડ્રાઇવરે ટ્રકને રોકી ન હતી. મને પૂરતી સુરક્ષા આપવામાં આવી નથી. હું ઇચ્છું છું કે આ અકસ્માતની યોગ્ય તપાસ કરવામાં આવે.

 

અકસ્માત બાદ રસ્તા પર નજરે પડી રહેલા તોગડિયા


સુરત જઈ રહ્યા હતા તોગડિયા

વીએચપી નેતા વડોદરાથી સુરત જઈ રહ્યા હતા ત્યારે તેની સ્કોર્પિયો ગાડીને કામરેજ નજીક અકસ્માત નડ્યો હતો. તોગડિયાની સ્કોર્પિયો ગાડી નંબર GJ18G 5642ની ટ્રેલર નંબર GJ 01 DX 0893 સાથે 11 વાગ્યાની આસપાસ ટક્કર થઈ હતી. તોગડીયા વડોદરાથી કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુરત જઈ રહ્યા હતા. અકસ્માત બાદ પોલીસે અન્ય કારમાં તેમને સુરત ખસેડ્યા હતા.

 

તોગડિયા સ્કોર્પિયો કારમાં જઈ રહ્યા હતા


  અકસ્માત કેવી રીતે શક્ય બને?

વીએચપી નેતા પ્રવિણ તોગડિયાને z+ સુરક્ષા આપવામાં આવી છે. એટલે કે તેની બુલેટપ્રુફ કારની આગળ પાછળ પાયલોટ અને એસ્કોર્ટ કાર ચાલે છે. એવી માહિતી મળી છે કે વડોદરાથી તેઓ સુરત જવા રવાના થયા ત્યારે માત્ર પાયલોટ કાર જ હતી. તોગડિયાની બુલેટપ્રુફ કારને પાછળથી આવી રહેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. જો આવા સંજોગોમાં એસ્કોર્ટ કાર હોય તો અકસ્માત ટાળી શકાયો હોત. એસ્કોર્ટ કાર કેમ ન હતી તે અંગે કોઈ માહિતી મળી શકી ન હતી.

નોંધનીય છે કે  થોડા મહિના પહેલા પ્રવીણ તોગડિયા અચાનક વીએચપીના કાર્યાલય ખાતેથી ગાયબ થઈ ગયા હતા. બાદમાં તેમણે કહ્યું હતું કે મારું એન્કાઉન્ટર થવાની માહિતી મળી હોવાથી હું ગાયબ થઈ ગયો હતો.

 

તોગડિયાની કારને અકસ્માતમાં સામાન્ય નુકસાન થયું હતું


 શું કહ્યું હતું તોગડિયાએ?

તોગડિયા જે દિવસે ગાયબ થઈ ગયા હતા તે સાંજે તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં તેમણે હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા લેતી વખતે મીડિયાને સંબોધતા તોગડિયાએ કહ્યું હતું કે, ‘ડોક્ટરે તપાસ બાદ મારી તબિયત સારી જણાતા મને રજા આપી છે. મારી સામે જે કેસ થયો હતો તે ત્રણ વર્ષ પહેલા જ બંધ થઈ ગયો હોવાનો રાજસ્થાન સરકાર તરફથી સંદેશ મળ્યો છે. આ માટે હવે મારે રાજસ્થાન જવાની જરૂર નથી. હું પૂછવા માંગુ છું કે જ્યારે 2015માં જ કેસ બંધ થઈ ગયો હતો તો મને પકડવા માટે આટલો મોટો કાફલો શા માટે મોકલવામાં આવ્યો?’

તોગડિયા જેમાં મુસાફરી કરી રહ્યા હતા તે સ્કોર્પિયો કાર


મને બદનામ કરવાનું ક્રાઈમ બ્રાંચનું કાવતરું

તોગડિયાએ આક્ષેપ લગાવ્યો હતો કે, ‘મને બદનામ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કાવતરું ઘડ્યું છે. ક્રાઈમ બ્રાંચના 30 લોકોએ મને રાત્રે 2 વાગ્યે જગાડીને ત્રણ કલાક સુધી ટોર્ચર કર્યો હતો. તેમણે મારા પર તેમને ગમતુ નિવેદન આપવા માટે દબાણ કર્યું હતું. હું ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરવા માગું છે તેઓ એ બાબતની તપાસ કરે કે ક્રાઈમ બ્રાંચ કોના ઈશારે કામ કરી રહી છે?’

જે.કે.ભટ્ટની મોદી સાથેની કોલ ડિટેઇલ જાહેર કરો

તોગડિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘ક્રાઈમ બ્રાંચના જેસીપીએ છેલ્લા 20 દિવસમાં મોદી સાથે કેટલી વાત કરી તેની ડિટેઈલ જાહેર કરવામાં આવે. તેમના ફોન પર ઇનકમિંગ અને આઉટગોઈંગ કોલની તપાસ કરવમાં આવે. હું વકીલોની સલાહ લઈ રહ્યો છું. વકીલોની સલાહ બાદ હું ક્રાઇમ બ્રાંચ સામે લિગલ કાર્યવાહી કરીશ.’

મને ક્રાઇમ બ્રાંચના લોકો પર ગર્વ

તોગડિયાએ કહ્યું હતું કે, ‘હું દેશના પીએમને પ્રાર્થના કરું છું કે ગુજરાતની ક્રાઇમ બ્રાંચને કોન્સપરીસી ક્રાઈમ ન બનાવે. તેની પ્રતિષ્ઠા છે તેને રાજકીય ષડયંત્રનો ભાગ ન બનાવો. મને ક્રાઈમ બ્રાંચના લોકો પર ગર્વ છે. પરંતુ કોઈ વ્યક્તિને રાત્રે 2 વાગ્યે ઉઠાડવાનો અધિકાર કોણે આપ્યો તે જે.કે ભટ્ટ જણાવે. તેઓ દિલ્હીના બોસના ઈશારે કામ કરી રહ્યા છે.’
First published: March 7, 2018
વધુ વાંચો
अगली ख़बर