કોરોના વાઇરસને લઇને લોક્ડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકો પોતાના ઘરમાં કંટાળી ગયા છે ત્યારે પાર્ટી કરવા 7 જેટલા યુવાનો એક ફ્લેટમાં એકત્ર થયા હતા. આ બાબતની જાણકારી મળતા પોલીસે આ યુવાનોને ઝડપી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
કોરોના વાઇરસને લઇને લોકડાઉં ચાલી રહ્યું છે, પહેલા 21 દિવસ અને હવે 19 દિવસનું. લોકડાઉનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે પોતાના ઘરમાં કંટાળી ગયેલા યુવાનો દ્વારા સુરતના પાર્લેપોઇન્ટ વિસ્તારના નર્મદા એપાર્ટમેન્ટમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જોકે લોકડાઉનના ક્ડક અમલ માટે પેટ્રોલીંગ કરી રહેલ ઉમરા પોલીસ નર્મદા એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કેટલાક યુવાનોનો અવાજ આવી રહ્યો હતો. જેથી પોલીસે એપાર્ટમેન્ટમાં જઇ તપાસ કરતા બીજા માળે ફલેટ નં. 203માં રહેતા પ્રકાશ ઉર્ફે લાલા માધુભાઇ પાટીલના ઘરે તેના મિત્ર દત્તા ધુદાપ્પા નાગમો, રાજેશ શાંતિલાલ પટેલ, પિયુષ પ્રવિણ પટેલ, રાજેશ કનૈયાલાલ યાદવ મનોજ ધનસુખ પટેલ , દિપક મારૂતિભાઇ જાદવને ઝડપી પાડયા હતા.
પોલીસે ઉપરોક્ત તમામની પુછપરછ કરતા કબુલાત કરી હતી કે, કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોક્ડાઉનને પગલે તેઓ છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં નજર કેદ જેવા થઇ ગયા હોવાથી કંટાળી ગયા હતા. જેથી તેમણે પ્રકાશ ઉર્ફે લાલાના ઘરે કબાબની પાર્ટીનું આયોજન કર્યુ હતું.
પોલીસે તમામ વિરૂધ્ધ એપેડમીક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી જેલના સળિયા ગણાવ્યા હતા. જોકે અહીંના સ્થાનિકોની વાત માનીએ તો દારૂની પાર્ટીને પોલીસે કબાબ પાર્ટીમાં ફેરવીને આરોપીને બચવાની પેરવી પોલીસ કરી રહી છે તેવું જાણકારી મળી છે, ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારી તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.