ન્યૂઝ18ગુજરાતીઃ ભાભી અને વિધર્મી જીમ ઇન્સ્ટ્રક્ટર વચ્ચેના પ્રેમ સંબંધને લઇ ભાઇનો સંસાર બચાવવા મથામણ કરતી બહેનને ધમકી મળતા અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. જેના પગલે પોલીસે વિધર્મીજીમ ઇન્સ્ટ્રક્ટરની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ પોલીસ મથકમાં એક મહિલાએ જીમ ઇન્સ્ટ્રક્ટર મોમહદ ઇલિયાસ મોહમદ શફી ફનીવાલા તથા ભાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ ઇલિયાસ અને ભાભી વચ્ચે પ્રેમ સંબંધ છે. જે નહીં રાખવા માટે તેઓ અને તેમના ભાઇ સમજાવતા હતા. જોકે, તેમની વચ્ચે ઝઘડો થતાં મહિલાએ ભાભીને ફોન કરી ધમકી આપી હતી.
ત્યારબાદ તેઓ એપાર્ટમેન્ટની નીચે આવ્યાં હતા જ્યાં પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેઓ કારમાં બેસીને નીકળી ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે જીમ ઇન્સ્ટ્રક્ટર ઇલિયાસે તેમની પાછળ આવી ફરીથી માથાકૂટ કરી હતી. તેણે મહિલાને ધમકાવતા કહ્યું હતું કે, 'તું મને તારી ભાભી સાથે કેમ સંબંધ રાખવા દેતી નથી. વચ્ચે આવીશતો પતાવી દઇશ' એમ કહીને ધમકી આપી હતી.