સુરત : રિક્ષામાં બેસી મુસાફરોને લૂંટતી ગૅંગ પકડાઈ, આવી મૉડસ ઑપરેન્ડી હતી

News18 Gujarati
Updated: November 7, 2019, 10:00 AM IST
સુરત : રિક્ષામાં બેસી મુસાફરોને લૂંટતી ગૅંગ પકડાઈ, આવી મૉડસ ઑપરેન્ડી હતી
પ્રતિકાત્મક તસવીર

આ ગૅંગના સભ્યો રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસતા હતા, મુસાફરો બેસે એટલે તેમની નજર ચુકવીને સામાનની ચોરી કરી લેતા હતા.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોના કિંમતી સામાન અને મોબાઈલની ચોરી કરતી ગૅંગના ચાર ઇસમોને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી બે બાઇક સહિત કેટલોક મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

સુરત શહેર ચેન અને મોબાઈલ સ્નેચરો માટે જાણે હબ બની ગયું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં આવા ગુનાઓ સામાન્ય બની ગયા છે. ખટોદરા, વરાછા, ઉમરા, સલાબતપુરા અને ઉધના જેવા વિસ્તારોમાં આવી ઘટનાઓ સતત વધી રહી છે. આ સમયે સલાબતપુરા પોલીસને માહિતી મળી હતી કે કેટલાક ઈસમો શિકારની શોધમાં ફરી રહ્યા છે, માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ચાર ઇસમોની અટકાયત કરી તેમની પાસેથી બે બાઇકો પણ કબજે કરી છે. આ લોકોની પૂછપરછ કરતા આખો મામલો બહાર આવ્યો હતો. આ લોકો રિક્ષામાં મુસાફરોને બેસાડીને તેમના કિંમતી સામાનની ચોરી કરતા હતા.

ધરપકડ કરવામાં આવેલા આરોપી

1) સાબિર ઉર્ફે બિનોર શાહ
2) મોહસીન ઉર્ફે ભાઈસાહેબ શેખ
3) સમીર સૈયદ4) મુંબિન ઉર્ફે ખોદુ શાહ

સલાબતપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા બનેલા એક ગુનામાં આ લોકોનો સંડોવણી બહાર આવી છે. આ લોકો ખાસ કરીને હાઈસ્પીડ વાળી બાઇક વાપરતા હતા, જેથી કિંમતી સામાનની ચોરી કરીને સરળતાથી ભાગી શકાય. પોલીસ હાલ આ લોકોની પૂછપરછ કરી રહી છે, પૂછપરછમાં બીજા કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા જણાઈ રહી છે. પોલીસે આ ઈસમો પાસેથી પાંચ મોબાઈલ અને બે બાઇક પણ કબજે કર્યાં છે.

મૉડસ ઑપરેન્ડી

આ લોકો પહેલા રેકી કરતા હતા. રસ્તા પર જ્યારે કોઈ એકલ દોકલ લોકો નજરે પડતા ત્યારે તેઓ તેમના બીજા સાથીને ફોન કરીને બોલાવતા હતા. આ લોકો રિક્ષામાં આવતા હતા અને મુસાફરોને રિક્ષામાં બેસાડીને તેમના કિંમતી સામાનની ચોરી કરી લેતા હતા.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर