સુરત : કોરોના વાઇરસનું લોકડાઉન પૂરું થતાની સાથે સુરતમાં ફરી એકવાર રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે, ત્યારે પોલીસે આવી એક ગેંગના ત્રણ સાગરિતોને ચોરીના ફોન સહિત 75 હજારના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતમાં ફરી રિક્ષા મુસાફરોને ગજબ રીતે છેતરી નિશાન બનાવતી ગેંગ ફરી સક્રિય થઈ ગઈ છે. રીક્ષામાં પહેલાથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગેંગના સભ્ય મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ફોન અને રૂપિયા ચોરતી ગેંગ સક્રિય થઈ હતી, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, આવી એક ગેંગ સહારા દરવાજા ચાર રસ્તા પાસેથી પસાર થવાની છે, ત્યારે પોલીસે રીક્ષા નંબર (નં.જીજે-05-બીવી-9051)ને અટકાવી રીક્ષા ચાલક ફીરોજભાઇ સલીમભાઇ શેખ, રિક્ષામાં સવાર તેના ત્રણ સાગરીતો શાકભાજી વેચતા મુસ્તાક્ખાન સલીમખાન પઠાણ, મજૂરીકામ કરતા સાબીર પપ્પુ શેખ તથા મજૂરીકામ કરતા રાહુલ રમેશભાઇ રાઠોડને પોલીસે અટકાવ્યાં હતા.
આ ઈસમોની તપાસ કરતા તેમની પાસેથી અલગ અલગ કંપનીના 7 મોબાઈલ ફોન, મળી આવ્યા હતા, જોકે પોલીસે મોબાઇલ ફોન સાથે રીક્ષા જમા કરી. આ વિષે પૂછતાં સામે આવ્યું કે, આ ઈસમો રીક્ષા ચાલક ફીરોજ અને તેના ત્રણ સાગરીતો રીઢા આરોપી છે, અને તેઓ રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી મોબાઈલ ફોન અને રોકડ સેરવી લેતા હતા.
ગત મંગળવારે બપોરે તેમણે રેલ્વે સ્ટેશનથી સહારા દરવાજા વચ્ચે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં ઉધના દરવાજા રીલાયન્સ મોલની બાજુમાં ખટોદરા વાડી દાડીવાલા હનુમાન મંદીરમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ 28 વર્ષીય સત્યવુત શ્રીઅવધેસ શિવશંકર દ્વિવેદિના હાફ પેન્ટના ખિસ્સામાંથી રૂ.4000ની કિંમતનો મોબાઈલ ફોન સેરવી લીધો હતો અને સહારા દરવાજા પહેલા આગળ પોલીસ ઉભી છે, તેમ કહી રીક્ષામાંથી ઉતારી ફરાર થઇ ગયા હતા.
આ ટોળકી રેલવે સ્ટેશન અને સહારા દરવાજા માર્કેટ વિસ્તારમાં જ ફરતી રહેતી હતી. જોકે પોલીસે આ ઈસમોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરી છે.