અમદાવાદ અને સુરતના કેસમાં જામીન મળ્યા બાદ હવે પાસના નેતા અલ્પેશ કથીરિયાની 9 ડિસેમ્બર રવિવારે જેલમાંથી મુકિત થઇ ગઇ છે. ત્યારે મુક્તિ સમયે જેલની બહાર દિવાળી જેવો માહોલ હતો. જેલની બહાર અલ્પેશ કથિરીયાનો પરિવાર અને પાસનાં કાર્યકર્તાઓમાં અનેરો આનંદ ફેલાયો હતો. અલ્પેશની મુક્તિનાં થોડા જ સમયમાં હાર્દિક પટેલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.
અલ્પેશે 3 મહિના અને 20 દિવસ પછી જેલની બહાર આવ્યાં પછી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'આમ તો 6 મહિનાની મારી ગણતરી હતી પરંતુ સરકારે ખુબ વહેલી મુક્તિ કરી છે. મરાઠા સમાજને પણ આરક્ષણ મળ્યું છે ત્યારે અમારી લડાઇ પણ વેગવંતી બનશે.મારી વકીલોની ટીમ, પાસની સુરતની ટીમ, હાર્દિક પટેલ, સમગ્ર પાસની ટીમ અને હું ખુબ ખુબ આભાર માનું છુ તે સાથે સરકારનો પણ આભાર માનું છું. તેમણે ગુજરાતની ખુબ મોટી બે યુનિવર્સિટી સાબરમતી અને લાજપોરમાં મારું એડમિશન કરાવ્યું અને ખુબ અભ્યાસ કરવાનો મોકો આપ્યો તે બદલ હું ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો ખુબ ખુબ આભાર માનું છું.'
હાર્દિક પટેલે આજે કહ્યું હતું કે અલ્પેશનાં નેતૃત્વમાં જ અમે આગળ ધપીશું, એ જ અમારો પોસ્ટર બોય છે. જે અંગે અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, 'આંદોલનમાં પોસ્ટર બોયની વાત નથી, સમાજ કહેશે તે પ્રમાણે નેતૃત્વ કરીશ.'
અલ્પેશે આગળ જણાવતા કહ્યું કે, ' આવનારા દિવસોમાં અમારી ટીમ અને સમાજ ભેગો થઇને આંદોલનને વેગવંતુ બનાવીશું. સરકારે કોઇ માંગણી નથી સ્વીકારવામાં આવી પરંતુ વકીલોએ આ માટે ઘણી મહેનત કરી છે અને કાયદાકીય રીતે હું બહાર આવ્યો છે. 3 વર્ષથી અમારી મહેનત છે.'