સુરત: સુરત શહેરના કતારગામ (Katargam) છેલ્લા કેટલાક સમયથી સાળો અને બનેલી ભાગીદારીમાં વેપાર (Business) કરતા હતા. આ દરમિયાન સાળાને એવી માહિતી મળી હતી કે તેના બનેવી તેની બહેનને ત્રાસ આપે છે અને દરરોજ ઝઘડા કરે છે. આ મામલે સાળાએ બનેવીને ઠપકો આપતા બનેવી અને સાળા વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બનેવીએ સાળા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે બાદમાં સાળાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સાળાનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લેતા બનેવીએ પોતાના સગા સાળાની કરપીણ હત્યા કરી નાખી છે. સુરતના કતારગામ ખાતે આવેલા નંદનવન સોસાયટી ખાતે રહેતા જયેશભાઈ પ્રજાપતિ તેમના બનેવી મહેશ પ્રજાપતિ સાથે ભાગીદારીમાં સાડીમાં સ્ટોન સહિતના વર્કનું કામકાજ કરતા હતા.
બનેવી મહેશ પ્રજાપતિ બહેનને ત્રાસ આપતા હોવાથી પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. આ મામલે ગતરોજ પોતાની બહેનને ત્રાસ આપતા બનેવી મહેશને તેનો સાળો જયેશ ઠપકો આપવામાં આવ્યો હતો. આ મામલે બનેવી અને સાળા વચ્ચે પહેલા તો ઝઘડો શરૂ થયો હતો. જોત જોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લેતાઉશ્કેરાયેલા બનેવી મહેશે સાળા જયેશને ગળાના ભાગે તેમજ પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
ગંભીર રીતે ઘાયલ થયેલા જયેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. બપોરે બનેલી ઘટના બાદ મોડી સાંજે સારવાર બાદ જયેશ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. જોકે, ઘટનાની જાણકારી મળતા કતારગામ પોલીસ દોડી આવી હતી. આ મામલે પોલીસે મોડી રાત્રે બનેવી મહેશ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.