સુરત: કોરોના મહામારી (Corona pandemic) વચ્ચે અનેક લોકોના ધંધા ભાંગી પડ્યા છે. કેટલાક લોકોની નોકરી (Job) પણ છૂટી ગઈ છે, ત્યારે સુરત શહેરમાં આર્થિક સંકડામણને કારણે આપઘાત (Suicide)ના અનેક બનાવો સામે આવ્યા છે. સુરતના પુણા વિસ્તારમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક રત્નકલાકારે (Diamond worker) પોતાનું કામ છૂટી જતા અને ફરીથી નવું કામ નહીં મળતા આવેશમાં આવીને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા રત્નકલાકાર પત્ની અને બાળકને તેના પિયરમાં મૂકી આવ્યો હતો. જે બાદમાં ઘરે આવીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
કોરોના મહામારીએ વેપાર-ઉદ્યોગની કમર તોડી નાખી છે. આવા અનેક ઉદ્યોગ હજુ સુધી પાટે ચડ્યા નથી. એવામાં આવા ઉદ્યોગોમાં કામ કરતા કામદારોની હાલત દયનીય બની છે. આવા લોકો પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત અથવા તો તેમનું ભરણ પોષણ નહીં કરી શકતા હોવાથી આવેશમાં આવીને આપઘાત કરવા સુધીના પગલા ભરી લેતા હોય છે.
સુરતના પુણા કારગીલ ચોક શિવનગર સોસાયટી ખાતે રહેતા પ્રકાશભાઈ શવજીભાઈ પોલરા હીરાના કારખાનામાં કામ કરતો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી કામ ન મળતા પ્રકાશ આર્થિક સંકડામણમાં સપડાયો હતો. આ કારણે તે છેલ્લા કેટલાક સમયથી સતત માનિસક તાણ અનુભતો હતો. આ દરમિયાન તે ગતરોજ પરિવાર સાથે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ બાળકો સહિત પત્નીને તેના પિયરમાં મૂકીને કામ અર્થે બહાર જવાનું કહી નીકળ્યો હતો.
જોકે, છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણ અનુભવતા રત્નકલાકરે આવેશમાં આવી જઈને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પાડોશીઓને જાણ થતા કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કામ ન મળતા વ્યથિત થઈને રત્નકલાકારે આપઘાત કરી લીધાની વિગત સામે આવી છે. રત્નકલાકારના આવા પગલાંથી પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર