Home /News /south-gujarat /ખાડી પૂર માનવસર્જિત : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુરત જિલ્લા કલેક્ટરને નોટિસ પાઠવી

ખાડી પૂર માનવસર્જિત : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુરત જિલ્લા કલેક્ટરને નોટિસ પાઠવી

શહેરના ખાડી અને કીમ નદી (Kim River) પર સીઆરઝેડ (CRZ) અને સીવીસીએ (CVCA) વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે.

શહેરના ખાડી અને કીમ નદી (Kim River) પર સીઆરઝેડ (CRZ) અને સીવીસીએ (CVCA) વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે.

કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં આ વર્ષે આવેલા ખાડી પૂરે (Creeks) લોકોને 2006નાં વર્ષની પૂર (Flood)ની યાદ અપાવી દીધી હતી. આ ખાડી પૂર એક કે બે વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર આવતા લોકોની હાલત કફોડી બનવા પામી હતી. લોકોની ઘરવખરી, કિંમતી સામાનને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. શહેરના ખાડી અને કીમ નદી (Kim River) પર સીઆરઝેડ (CRZ) અને સીવીસીએ (CVCA) વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે. જેને લઈને આ પૂરની તારાજી સર્જાઈ હતી. આ મામલે પર્યાવરણવાદી એમ. એસ. એચ. શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુરત જિલ્લાના કલેક્ટરોને નોટિસ પાઠવી છે.


સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદને લઈ શહેરની ખાડીઓમાં પૂર આવ્યું હતું. શહેરના લિંબાયત, પરવત પાટીયા, સરથાણા તેમજ સણીયા હેમદ ગામે ખાડી પૂરના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પૂરના કારણે લોકો અનેક સ્થળે ફસાઈ ગયા હતા. જેને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ખાડી પૂર માનવ સર્જિત હોવાની ફરિયાદ કરાઈ છે. સુરત જિલ્લામાં આવેલ કીમ નદી પર સીઆરઝેડ અને સીવીસીએ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવાથી આ પૂર આવ્યું છે. સાથે જ દરિયાઈ પર્યાવરણને નુકસાન કરવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પર્યાવરણવાદી એમ એસ એચ શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા કેસ દાખલ કરાયો છે.


સુરત જિલ્લામાં આવેલી કીમ નદી પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો/મીઠાના અગરોના પાળા બનાવી દેવામાં આવેલા છે. જેને કારણે વર્ષ 2019 માં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઘણા ગામોમાં પાણી ભરાયા હતા. જે બાદ લોકોને તેમજ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પણ માનવસર્જિત પૂર જેવી પરિસ્થિત સર્જાઈ છે. કીમ નદીમાં 80% દબાણ ઝીંગા ફાર્મ અને સોલ્ટના પાળાઑને લીધે કરવામાં આવતા પાણી નિકાલના પ્રશ્નો સર્જાયા છે.


ઉલ્લેખનીય છે કે કીમ ખાડીનું મુખ 150 મીટર જેટલી પહોળાઈ જેટલું જ બચ્યું ચે. જેમાંથી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી નીકળી શકતું નથી. આમ માનવસર્જિત ઝિંગાના તળાવો, તળાવોના પાળા, ખાડીઓના  પુરાણને લીધે સમગ્ર દરિયાઈ/ખાડી/નદી વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ જવા પામી છે. કેન્દ્ર સરકાર દ્વારા ક્રિટિકલી વલનેરબલ કોસ્ટલ એરિયા CVCA તરીકે ઓળખાતા વિસ્તારો પર પણ દબાણો ઊભા થયા છે. મેંગ્રૂસ, નાની મોટી ક્રિક, સોલ્ટ માર્શ, મડફલેટસ અને કાંઠાના ગામોના માછીમારોના પરંપરાગત માછીમારીના સ્થાનોનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો છે.


નદીના કુદરતી ફ્લડપ્લેન વિસ્તાર પર દબાણો થયેલા છે. સીઆરઝેડના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલ તળાવો, પાળાઓ, મીઠાના અગરોના પાળાઓ દૂર કરવા, CVCA વિસ્તારમાંથી તળાવો અને બાંધકામ દૂર કરવા, પર્યાવરણને પુનઃ સ્થિતિમાં લાવવા એક્શન પ્લાન બનાવવા, નવા તળાવો બનાવવા પર પ્રતિબંધ મૂકવા, નિષ્ણાંત તપાસ સમિતિની રચના કરવા, નાના પગડિયા માછીમારોની માછીમારીની જગ્યાઓના નુકસાન માટે વળતર આપવા, ફ્લડપ્લેન વિસ્તાર ખુલ્લો કરવા, નદી, CVCA વિસ્તારોને નુકસાન બદલ ગેરકાયદેસર રીતે ઝીંગા ઉછેર કરનારાઓ પાસેથી વળતર વસૂલ કરવાની માંગ NGT સમક્ષ મૂકવામાં આવી છે.


આ બાબતે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, હેઠળ આવેલ ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરીટી, સિંચાઇ વિભાગ, મહેસૂલ વિભાગ, ફિશરીઝ વિભાગ, GSDMA, GPCB, કલેકટર ભરૂચ અને સુરતમાં અને કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ વૉટર રિસોર્સિસ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સ્ટેટ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીમાં લેખિત ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદો પર ગુજરાત સરકારે કે કેન્દ્ર સરકારે કોઈ પગલાં લીધા ન હતા.


જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર અને સિંચાઇ વિભાગના ડ્રેનેજ વિભાગે પત્રવ્યવહાર સિવાય ગેરકાયદેસર તળાવો અને દબાણો દૂર કરવા કોઈ જ પગલાં લીધા ન હતા. જેથી અંતે જાહેરહિતમાં પર્યાવરણ સુરક્ષા ધારા 1986 અને સીઆરઝેડ જાહેરનામા 2011-2019ના ભંગ બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વેસ્ટ ઝોનમાં કેસ નંબર 16/2020થી આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી તા 24-08-2020ના રોજ થઈ હતી. નેશનલ ગ્રીન  ટ્રિબ્યુનલે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય, જલશક્તિ મંત્રાલય, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, સિંચાઇ વિભાગ, GCZMA, GPCB, ફિશરીઝ કમિશનર, ભરૂચ અને સુરત જિલ્લાના કલેક્ટરોને નોટિસ કાઢી 6 અઠવાડિયામાં પોતાના જવાબો રજૂ કરવા આદેશ આપ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Flood, Heavy rain, NGT, River, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन