આસિસ્ટન્ટ ઇજનેરની પરીક્ષામાં ગેરરીતિની રાવ, સાંસદે પરીક્ષા કામગીરી સ્થગિત કરવાની માંગ કરી

News18 Gujarati
Updated: October 2, 2019, 9:09 AM IST
આસિસ્ટન્ટ ઇજનેરની પરીક્ષામાં ગેરરીતિની રાવ, સાંસદે પરીક્ષા કામગીરી સ્થગિત કરવાની માંગ કરી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પ્રગ્નેશ વ્યાસ, સુરત : રવિવારના રોજ, સુરત મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ)ની જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા યોજવામાં હતી. આ પરીક્ષા દરમિયાન થયેલી ક્ષતિઓ, ગેરરીતિઓ બાબતે સાંસદ સી. આર. પાટીલને ટેલિફોનિક, રૂબરૂ અને અખબારો થકી ફરિયાદો મળતા, તેઓએ મનપા કમિશ્નર બંછાનિધિ પાનીને પત્ર લખી, હાલ પરીક્ષાલક્ષી કામગીરી સ્થગિત કરવા જણાવ્યું છે. ફરિયાદોને ગંભીરતાથી લઈને એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.

નોંધનીય છે કે આસી. ઈજનેરની પરીક્ષામાં OMR શીટ પર ઓળખ છતી જઈ જાય એ રીતે પરીક્ષાર્થીઓ પાસે નામ અને પરીક્ષા (બેઠક) નંબર લખાવવામાં આવ્યા હતા. જેને લઈને ભારે વિવાદ થયો હતો. આ OMR શીટથી ઓળખ છતી થઇ જાય અને પરીક્ષક સાથે જ ગોઠવણથી માર્ક્સ કૌભાંડની શકયતા જોતા, બેઠક નંબર પર બારકોડ સ્ટીકર લગાવવા, અને નામનો ઉલ્લેખ ન કરવાની માંગ પણ ઉઠવા પામી હતી. આ બાબતે કોંગ્રેસના કોર્પોરેટર ભાવેશ રબારીએ પણ કમિશ્નરને ઉદ્દેશીને પત્ર પાઠવ્યો હતો.

સી. આર. પાટીલે સમગ્ર વિવાદ મામલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની જગ્યા ભરતી માટે પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં મળેલી ફરિયાદો પ્રમાણે પરીક્ષામાં પેપર સેટર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નપત્ર બાબતે શંકા સેવાઇ રહી છે. આ સાથે આ પરીક્ષા કોઇપણ પ્રકારની તટસ્થ એજન્સી દ્વારા લેવાઇ હોવાનું જણાઇ રહ્યું નથી. વિદ્યાર્થીઓને આપવામાં આવતી ઉત્તરવહીમાં બારકોડ સ્ટીકરનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું નથી. આ સુવિધાનાં અભાવે સરળતાથી ગેરરીતિ થઇ શકે છે. પરીક્ષાર્થી પાસે જ ઉત્તરવહીમાં નામ અને નંબર લખાવવામાં આવે છે, જેથી પરીક્ષાની વિશ્વસનીયતા જળવાતી નથી અને ગેરરીતિ થવાનો અવકાશ ખુલ્લો રહે છે. આ સાથે પરીક્ષાનું સંચાલન મહાનગરપાલિકાનાં રિક્રૂટમેન્ટ વિભાગ દ્વારા કરવાનું હોય છે પણ જાણવા મળ્યા પ્રમાણે મહેકમ વિભાગ દ્વારા આ કામગીરી થઇ હોવાનું જણાયું છે.આ સાથે પરીક્ષાખંડમાં સુપરવાઇઝરની જવાબદારી પણ પાલિકાનાં કર્મચારી દ્વારા જ થઇ હોવાનું જણાયું છે, આ કારણે પણ તટસ્થતાનાં પ્રશ્નો ઊભા થયા છે. નિયમ પ્રમાણે પરીક્ષાખંડમાં વિડીયોગ્રાફી કર્યા બાદ ચોક્કસ સમયમર્યાદામાં વિડીયો ફૂટેજ મેળવી લેવાનાં હોય છે, જેમાં પણ વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પરીક્ષાર્થી કે સુપરવાઇઝરે કયા ખંડમાં જવાનું છે એ ડ્રો પધ્ધતિથી નક્કી કરવામાં આવે છે. આ ડ્રો પદ્ધતિ પણ થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

પરીક્ષાર્થી કે સુપરવાઇઝર દ્વારા મોબાઇલ ન લઇ જવાનો નિયમ પણ પાળવામાં આવ્યો હોય એવું જણાઇ રહ્યું નથી. સાંસદ સી આર પાટીલે ઉક્ત ફરિયાદોના ઉલ્લેખ સાથે કમિશ્નરને પત્ર પાઠવ્યો છે અને મહેનત કરનાર ઉમેદવારને અન્યાય ન થાય એ બાબતને પ્રાથમિકતા આપવાની તાકીદ સાથે હાલ પરીક્ષાની કામગીરી જે તે કક્ષાએ જ સ્થગિત કરવાની માંગ પણ તેઓએ કરી છે. આ સાથે અન્ય કોઈપણ પ્રકારની ક્ષતિ પરીક્ષા દરમિયાન રહી હોય તો સત્વરે કમિટી બનાવી આ અંગે તપાસ કરવાની પણ સાંસદે માંગ કરી છે.
First published: October 2, 2019, 9:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading