સુરત: ભુવાના ચક્કરમાં કતારગામની મહિલા જીવ ખોવાનો વારો આવ્યો છે. ભુવાએ મહિલાને પોતાની વાતોમાં ફસાવીને વિધિ કરી નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. જોકે, મહિલાએ આ વિધિ માટે દીકરી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. પોલોસે આ સમગ્ર મામલે મહિલાની દીકરી અને ભૂવા વિરુદ્ધ આપઘાત દુસપ્રેરણાનો ગુનો દાખલ કરી ચોકબજાર પોલીસે ભુવા ખુશાલ નિમજેની ધરપકડ કરી હતી.
જયશ્રીબેનની દીકરી મુંબઇ રહે છે
કતારગામ દરવાજા ખાતે શ્રી હરિ એપાર્ટમેન્ટમાં રહેતા જયશ્રીબેન મુકેશભાઇ રસાનીયાએ ગત તારીખ 26મીએ મળસ્કે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જયશ્રીબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમના પતિ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ અંગે ચોકબજાર પોલીસમાં મૃતકની પુત્રી પ્રિયંકા અજયભાઈ સોની જે હાલમાં વિરાર, મુંબઇ રહે છે અને ભુવા ખુશાલ ગુલાબભાઇ નિમજે સામે આપઘાતની દુપ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.
દીકરીએ અંઘશ્રદ્ધાની પણ વાત કરી હતી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ખુશાલ નિમજે પ્રિયંકાની માતા જયશ્રીબેનને વિધિ કરી નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી હતી. જયશ્રીબેનને પુત્રી પ્રિયંકાને કોલ કરી આ વિધિ અંગે વાત કરી હતી. જે - તે સમયે પ્રિયંકાએ અંધશ્રદ્ધા હોવાનું પણ માતાને સમજાવ્યું હતુ . જોકે, ખુશાલે ડબલ નહિ થાય તો નાણાં પરત આપવાની પણ ખાત્રી આપતા જયશ્રીબેને જીદ કરી હતી.
આખરે પ્રિયંકાએ માતાને 6 લાખની સગવડ કરી આપી હતી. ત્યારબાદ જયશ્રીબેને 6 લાખ ખુશાલને વિધિ માટે આપી દીધા હોવાનું પણ પ્રિયંકાને ફોન પર જણાવ્યું હતુ. ત્યારબાદ ખુશાલે ઘરમાં વિધિ શરૂ કરી હતી. 6 લાખ રૂપિયા મંદિરના ખુણામાં મુકી દીધા છે અને રૂમમાં મુકેલો લોખંડનો કબાટ વિધિ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી નહિ ખોલવાની ખુશાલે વાત કરી હતી. ત્યારબાદ ખુશાલે કબાટમાં લક્ષ્મીજીનું આગમન થઇ ગયું છે એવું જણાવી લોખંડનો હથોડો ઘરમાં મુકાવ્યો હતો . આ હથોડા થકી કબાટમાં પૈસા આવશે એવું પણ જણાવ્યું હતુ .
ગત તા 25મીએ બપોરે જયશ્રીબેને પ્રિયંકાને કોલ કરી જણાવ્યું કે , ખુશાલે માતાજી પ્રસન્ન થયા છે પણ રસ્તો બતાવતા નથી એવી વાત કરી છે. રસ્તો બતાવવા ગુરૂજી મોડીરાત્રે ઘરે આવશે અને વિધિ કરી રસ્તો બતાવશે એવું કહ્યું હતુ. જયશ્રીબેને દીકરી સાથે આ અંતિમ વાત કર્યા બાદ બીજા દિવસે તેણીએ આપઘાત કરી લીધો હતો.
સુરતમાં અંધશ્રદ્ધામાં મહિલાનો ભોગ લેવાયો ,ભુવાએ છેતરપિંડી કરતા મહિલાએ આપઘાત કર્યો. ભુવાએ રૂપિયા ડબલ કરી આપવાની લાલચે 6 લાખ પડાવ્યા pic.twitter.com/K4ggwgeb1B
આમ, ખુશાલે વિધિના બહાને 6 લાખ પડાવી છેતરપિંડી કરી હતી . જેથી લાગી આવતા જયશ્રીબેને આપઘાત કરી લીધો હતો . ચોકબજાર પોલીસે ભુવા ખુશાલ નિમજે સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી .
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર