સુરત : બજાજ ફાઇનાન્સના નામે ઓળખ આપી લોન આપવાનું કહીને 19 લાખની છેતરપિંડી

સુરત : બજાજ ફાઇનાન્સના નામે ઓળખ આપી લોન આપવાનું કહીને 19 લાખની છેતરપિંડી
આરોપી

ગઠિયાએ સુરતના વેપારીને રૂપિયા 45 લાખની લોન અપાવવાનું કહીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. ગઠિયાએ અલગ અલગ ચાર્જ પેટે વેપારી પાસેથી 19 લાખ રૂપિયા લીધા હતા.

  • Share this:
સુરત : ગઠિયાઓ આજકાલ છેતરપિંડી કરવાના અનેક રસ્તા શોધી કાઢતા હોય છે. આજકાલ મોબાઇલ ફોન પર ફાઇનાન્સ કંપનીમાંથી બોલી છું કહીને લોન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરવાની ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે. આવો જ એક બનાવ સુરતમાં નોંધાયો છે. જ્યાં લોન આપવાનું કહીને એક વેપારી સાથે 19 લાખ રૂપિયાની છેતપિંડી કરવામાં આવી છે.

સુરતના એક વેપારીને 45 લાખની લોન આપવાનું કહીને ગઠિયાએ અલગ અલગ ચાર્જ પેટે 19 લાખ પડાવી લીધા હતા. વેપારીએ પોતાને છેતરાયો હોવાનું ભાન થતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે આરોપીની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી હતી.મળતી માહિતી પ્રમાણે સુરતના એક વેપારીએ સુરત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે 2019 ના મેથી જૂન મહિના દરમિયાન તેમને એક ઈસમનો પોતે બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી બોલે છે તેવો ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ વેપાર માટે લોન આપવાની ઑફર કરી હતી. આ ઈસમે વેપારીને 45 લાખની લોન અપાવવાનું કહીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. જે બાદમાં લોન મંજૂર કરવાનું કહીને અલગ અલગ ચાર્જ પેટે વેપારીએ પૈસા ચુકવવા પડશે તેમ કહીને ખોટા ઇમેલ કરીને 19.39 લાખ રૂપિયા યુકો બેંકમાં ભરાવ્યાં હતા.

આ મામલે વેપારીએ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરુ કરી હતી, જેમાં આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાની વિગત બહાર આવી હતી. આરોપીનું નામ આશિષ રંજન સરકાર હોવાનું બહાર આવ્યુ હતું. આ ઈસમે વેપારીનો વિશ્વાસ જીતવા માટે બજાજ ફાઇનાન્સ કંપનીના બોગસ ઈમેલ આઈડી પરથી બજાજ ફાઇનાન્સ કંપનીનું બોગસ ફોર્મ તથા અલગ અલગ ચાર્જના ઇમેલ કર્યા હતા. આ મામલે વેપારીની ફરિયાદ બાદ પોલીસે આરોપીને તેના વતન પશ્ચિમ બંગાળ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી હતી. આ ઇસમે આવી રીતે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે.
First published:January 22, 2020, 15:51 pm

टॉप स्टोरीज