ગાંધીનગરઃ કોરોનાના ક્રીટીકલ સ્ટેજમાં રહેલા દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનનો વ્યાપક કાળાબજાર સમગ્ર દેશમાં થઇ રહ્યા છે ત્યારે તેને અટકાવવા માટે કેન્દ્રની ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટીએ તમામ રાજ્યોને સૂચના આપી છે ત્યારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા નકલી વેપારી ઉભો કરીને સુરતમાં ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનના કાળાબજારના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સુરતના મહિલા ફાર્માસીસ્ટ (Woman pharmacist) દ્વારા દર્દીઓની ગરજ પ્રમાણે 50 હજાર રૂપિયાથી લઇને 1 લાખ સુધીના ભાવ વસૂલવામાં આવતા હતા. આ રેકેટનું પગેરૂં અમદાવાદ સિવિલ કેમ્પસની ટીબી હોસ્પિટલના ફાર્માસીસ્ટ સુધી પહોંચ્યું છે. આ પ્રકરણમાં કોની કોની સંડોવણી છે તે અંગેની હાલ તપાસ ચાલી રહી છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ કહ્યું હતું કે સુરતમાં ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનના કાળાબજાર થતા હોવાની માહિતી મળતા એક દવાના વેપારીને નકલી ગ્રાહક બનાવીને સુરતની સાર્થક ફાર્મા નામની હોલસેલ એજન્સીમાં મોકલવામાં આવ્યો હતો.
દવાની તસવીર
આ એજન્સી દ્વારા વેપારીને 40 હજાર રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં વેચવામાં આવ્યું હતું. એજન્સીના લાયસન્સ હોલ્ડર ઉમા કેજરીવાલની પૂછપરછ કરતા તેમની પાસેથી આ ઇન્જેક્શનની ખરીદીના બીલ મળી આવ્યા ન હતા. તેમની પાસેથી ખરીદેલું એક અને દુકાનમાં હાજર બે મળીને કુલ ત્રણ ઇન્જેક્શન જપ્ત કર્યા હતા. વધુ સઘન પૂછપરછ દરમિયાન બિલ વિનાનું ઇન્જેક્શન એક ખાનગી કંપનીના મેડિકલ રીપ્રેઝન્ટેટીવ પાસેથી ખરીદવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.
જ્યારે અધિકારીઓએ એમઆરને શોધીને તેની પુછપરછ કરતા તેને અમદાવાદ સિવિલ કેમ્પસની ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટ કોઇ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લાવી આપતો હોવાનું અને તેના આધારે ઇન્જેક્શન ખરીદતો હોવાનું માહિતી આપી હતી.ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા સુરતના હોલસેલ ફાર્માસીસ્ટ ઉમા કેજરીવાલ, એમઆર અને ટીબી હોસ્પિટલના ફાર્માસીસ્ટના નિવેદન લેવાયા છે હવે તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરાશે.
કોરોના દર્દીઓને ટોસીલીઝુમેબ ઇન્જેક્શન આપવાની મંજૂરી 5મી મેના રોજ અપાઇ હતી.રાજ્ય સરકાર દ્વારા કુલ 5 હજાર ઇન્જેક્શન ની ખરીદી કરાઈ હતી. જે પૈકી 2900 સરકારી હોસ્પિટલોમાં અને 2100 ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા.
આગામી સમય માં કોરોના દર્દીઓ ને મુશ્કેલી ના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા વધુ 20 હજાર ઇન્જેક્શન ખરીદવાની નિર્ણય કર્યો હોવાનું રાજ્ય ના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું. બીજી તરફ 22મી જૂનથી મંજૂરી મળી છે તેવા રેમડેસીવીર ઇન્જેક્શન પણ 1800 આવ્યા હતા. અત્યારે તો સુરત માં વધી રહેલા કેસો ધ્યાને લઇ ને સરકારે સુરત મહાનગર પાલિકા અને સિવિલ હોસ્પિટલ માં ઇન્જેક્શન નો જથ્થો પહોંચાડયો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર