સુરતઃ ઘરકંકાસનો કરુણ અંજામ, બે અલગ અલગ બનાવમાં પત્નીએ કરી પતિની હત્યા

News18 Gujarati
Updated: September 20, 2018, 3:32 PM IST
સુરતઃ ઘરકંકાસનો કરુણ અંજામ, બે અલગ અલગ બનાવમાં પત્નીએ કરી પતિની હત્યા
પોલીસે બંને કેસમાં પત્નીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરી છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત

સુરતઃ પતિ દારૂ પીને આવે અને પોતાની પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપે એવા કિસ્સાઓ રોજબરોજ પ્રકાશમાં આવતા રહે છે. લાંબા સમય સુધી પતિના આવા ત્રાસથી કંટાળીને પત્ની પર જ્યારે આવેશનું ભૂત ચડે છે ત્યારે કેવી અનહોની સર્જાય છે તેના બે જીવતા દાખલા સુરત શહેરના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. એક બનાવમાં કતારગામની એક પરીણિતાએ પોતાના પતિની હત્યા કરતા પોલીસ પાંજરે પુરાઈ છે. બીજો આવો જ એક બનાવ સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનવા પામ્યો છે, આ બનાવમાં પણ પોલીસે પત્નીની ધરપકડ કરી છે.

કતારગામમાં પત્નીએ કરી પતિની હત્યા

સુરતના કતારગામ વિસ્તારમાં એક પત્નીએ ઘરકંકાસથી કંટાળીને પોતાના પતિની હત્યા કરી નાખી હતી. આ વાત વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં હાલ પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી લીધી છે.

પત્ની હત્યા બાદ આખી રાત પતિની લાશ પાસે બેસી રહી

કતારગામના સોનલ પાર્ક સોસાયટી ખાતે રહેતા અશોકભાઈ પાનસેરિયાની હત્યા થઇ ગઈ હતી. અશોકભાઈ હીરા પોલિસિંગનું કામ કરતા હતા. પરિવાર સાથે રહેતા અશોકભાઈને દારૂ પીવાની કુટેવ હોવાથી છેલ્લા 10 વર્ષથી પત્ની સાથે ઘર કંકાસ ચાલી રહ્યો હતો.મંગળવારે પણ પતિ દારૂ પીને ઘરે આવ્યો હતો. આ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલી હદે વધી ગયો કે પત્ની શિલ્પા અને પતિ અશોક વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન આવેશમાં આવેલી પત્નીએ માથામાં કોઈ વસ્તુ મારી દીધી હતી, જેના કારણે તે ઢળી પડ્યો હતો. બાદમાં પરિવાર રાત્રે ઉંઘી ગયો હતો. સવારે અશોક ઉંઘમાંથી ન જાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો કર્યો હતો. ઘટના સંદર્ભે મરનાર અશોકના ભાઈએ પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ કેસમાં કતારગામ પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

## કાપોદ્રામાં પતિની ગળેટૂપો આપી કરી હત્યા

સુરતના કાપોદ્રાની સહયોગ સોસાયટીમાં રહેતા હરેશભાઈ દુધાતની પત્ની દ્વારા જ કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. હરેશ છેલ્લા કેટલાક વર્ષોથી દારૂની લત ધરાવતો હતો. એટલું જ નહીં તે દારૂ પીને તેની પત્ની દયાબેન સાથે ગેરવર્તણૂક અને મારઝૂડ કરતો હતો. 11 વર્ષના લગ્નજીવનમાં અવારનવાર આવી રીતે શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બનેલા દયાબેનનો આવેશ એક દિવસ એટલો વધી ગયો કે તેમણે પોતાના જ પતિને ગળેટૂપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા કરી કબૂલાત

હત્યા અંગે પત્નીએ સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં આકસ્મિક મોતની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પીએમ રીપોર્ટ આવ્યા બાદ પોલીસને શંકા જતા દયાબેનની કડકાઈથી પૂછપરછ કરી હતી. આ દરમિયાન પત્નીએ તેના પતિની હત્યા કરી નાખ્યાનું કબૂલ કર્યું હતું. આ કેસમાં પોલીસે હત્યારી પત્ની દયાબેનની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.
First published: September 20, 2018, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading