સુરત : સુરતમાં (Surat) સતત આપઘાતની (Suicide) ઘટના સામે આવી રહી છે. સામાન્ય બાબતોમાં બોલચાલની ઘટના પછી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી હોય એવો કિસ્સો બન્યો છે. સુરતમાં એક પત્નીએ રસ-પૂરીનો પ્રોગ્રામ બનાવ્યો હતો. જોકે, પતિ કેરીનો (Mango Pulp) રસ ભૂલી જતા ઘરે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ પત્નીને લાગી આવતા તેણીએ આપઘઆત કરી લીધો છે. જોકે, સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે આ પરિણીતાના લગ્નને 20 વર્ષ થઈ ગયા હતા અને 20 વર્ષમાં પહેલીવાર આ પ્રકારે પતિ સાથે ઝઘડો થયો હતો.
બનાવની વિગતો એવી છેકે સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા સુમિતા એપાર્ટમેન્ટમાં રહેતા આરિફની પત્નીએ આજે આપઘાત કરી લીધો છે. આરિફના આજથી 20 વર્ષ પહેલાં રૂબીના નામની મહિલા સાથે પ્રેમ લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં તેમને બે સંતાનો જન્મ્યા છે. પતિ-પત્ની સુખેથી જિંદગી જીવતા હતા. દરમિયાનમાં એક નાનકડી બાબતનો કરૂણ અંજામ આવી ગયો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ પત્ની રૂબીનાએ ઘરે રસ-પૂરી બનાવવાનું નક્કી કર્યુ હતું.
આ માટે તેણે પતિને બહારથી રસ લઈ આવવા માટે કહ્યું હતું. જોકે, પતિ કોઈ કારણોસર કેરીનો રસ લેવાનું ભૂલી ગયો હતો. આ દરમિયાન ઘરે આવેલા પતિએ રસ નહોતો લીધો જેને લઈને પત્ની સાથે તેનો ઝઘડો થયો હતો. જોકે, 20 વર્ષના લગ્ન જીવનમાં આટલો મોટો ઝઘડો ક્યારેય થયો નહોતો તેવું સૂત્રોએ જણાવ્યું. આ ઝઘડાનું કરૂણ પરિણામ બે માસૂમ સંતાનોના ભાગે પણ આવ્યું છે. પતિ સાથેના ઝઘડામાં બોલાચલી થતા રૂબીનાને કોઈવાતનું માઠું લાગ્યું અને તેણીએ ઝેરી દવા ગટગટાવી અને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પતિ આરિફ તેને તાત્કાલિક હૉસ્પિટલ ખાતે લઈ ગયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેણીએ દમ તોડી નાખ્યો હતો. સમગ્ર ઘટનાના પગલે પાડોશીઓ પણ આઘાતમાં હતા જ્યારે બે બાળકોએ માતાનું છત્ર ગુમાવ્યું છે.
સમગ્ર બનાવની જાણકારી મળતા સુરતના આઠવા પોલીસ મથકમાં પોલીસે રૂબીનાના મૃત્યુબાદ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આમ કેરીના રસ જેવી સામાન્ય બાબતમાં સુરતના એક સુખી પરિવારનો માળો પીંખાઈ ગયો છે.