સુરત : શહેરમાં વધુ એક એસીડ અટેકનો બનાવ બન્યો છે. પરવત ગામ વિસ્તારમાં પતિએ પત્ની પર એસીડ ફેક્યું છે. ત્રણ માસ અગાઉ પત્નીએ બ્યુટી પાર્લર શરૂ કરતા ગત બપોરે તેના પતિએ બ્યુટી પાર્લરમાં આવી એસિડ ફેંક્યું હતું. જોકે, મહિલા ખસી જતા બચી ગઈ હતી. શક કરતા પતિએ મહિલાએ જે દિવસે બ્યુટી પાર્લર શરૂ કર્યું ત્યારે ત્યાં આવી માર મારતા મહિલા હાલ માતાપિતાને ત્યાં રહે છે.
પરવત પાટીયા ખાતે માતાપિતાને ત્યાં રહેતી યુવતીના લગ્ન ૧૩ વર્ષ અગાઉ સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા સમીર સાથે થયા હતા. લગ્નના બે ત્રણ વર્ષ બાદ સમીર સીમા ઉપર શક કરી અવારનવાર ઝઘડો કરતો હતો. ગત ૧૯ જૂનના રોજ સીમાએ તેની ફ્રેન્ડ સાથે ભાગીદારીમાં પરવત ગામ વિસ્તારમાં બ્યુટી પાર્લર શરૂ કર્યું હતું.
આ પણ વાંચો -
સુરત: દુકાન માલીક અને ભાડુઆત વચ્ચે મારમારી, થયો એસિડ એટેક, 6 લોકો ઘાયલ
સમીર તે દિવસે જ બ્યુટી પાર્લર ઉપર પહોંચ્યો હતો અને સીમા સાથે ગાળાગાળી કરી માર માર્યો હતો. આથી સીમા તેના માતાપિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી. ત્યાર બાદ ગત બપોરના રોજ સીમા અને તેની ભાગીદાર ફ્રેન્ડ તેમના બ્યુટી પાર્લર ઉપર હાજર હતા ત્યારે સમીર ત્યાં આવ્યો હતો અને સીમા સાથે બાળકો અંગે પૂછી ઝઘડો કર્યો હતો. તેમજ સાથે લાવેલી પ્લાસ્ટીકની થેલીમાંથી પ્લાસ્ટીકની એસિડની બોટલ કાઢી સીમા ઉપર ફેંક્યું હતું.
જો કે સીમા ખસી જતા એસિડ થોડું જમીન ઉપર અને થોડું વ્હીલચેર ઉપર પડ્યું હતું અને તેનો બચાવ થયો હતો. એસિડના કારણે નીકળેલા ધુમાડાને લીધે સીમાને આંખમાં બળતરા થઈ હતા. સીમા અને તેની ફ્રેન્ડે બુમાબુમ કરતા સમીર સીમાને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ સીમાએ ગતરાત્રે સમીર વિરૂદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમીરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.