સુરત : કારીગરોને પગાર રોકડમાં કેવી રીતે આપવો? ઉદ્યોગકારોએ બેન્કો અને પોલીસની મદદ માંગી


Updated: March 26, 2020, 9:57 PM IST
સુરત : કારીગરોને પગાર રોકડમાં કેવી રીતે આપવો? ઉદ્યોગકારોએ બેન્કો અને પોલીસની મદદ માંગી
પ્રતિકાત્મક તસવીર

માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર કારીગરોના ખાતામાં આપવાને બદલે વિવિંગ અને મિલના કોન્ટ્રાકટરને રોકડમાં આપે તેવી માંગ કરી છે.

  • Share this:
કોરોના વાયરસના લીધે 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ શહેરની ઔદ્યોગિક વસાહતોમાં રહેતા કારીગરોને પગારના રૂપિયા પહોંચાડવા માટે શહેરના ઉદ્યોગકારોએ બેન્કો અને પોલીસની મદદ માંગી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાને દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હોય ઉદ્યોગકારો ચિંતામાં મુકાઈ ગયા છે. કારીગરોના પગાર કેમ કરવા તે સમસ્યા ઉદ્યોગકારોને સતાવવા માંડી છે. રોકડની તંગી અનુભવતા ઉદ્યોગકારોએ કારીગરોને ખર્ચા માટે રોકડ રકમ જ આપવાની સ્થિતિ ઉભી થઈ છે. સુરતના વિવિંગ અને પ્રોસેસીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને જાળવી રાખવા માટે કોઇ પણ સંજોગોમાં માર્ચ મહિનાનો પગાર રોકડમાં આપવો પડે, તેવી સ્થિતિ સર્જાઇ છે.

બીજી તરફ વિવિંગ અને પ્રોસેસીંગ ઉદ્યોગના અગ્રણીઓએ પ્રાઇવેટ અને સહકારી બેંકો માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર કારીગરોના ખાતામાં આપવાને બદલે વિવિંગ અને મિલના કોન્ટ્રાકટરને રોકડમાં આપે તેવી માંગ કરી છે. જેથી કારીગર વર્ગ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે. આ સ્થિતિથી બહાર નીકળવા ઉદ્યોગકારોએ બેન્કોની મદદ માંગી છે. જેને પગલે સુરત પીપલ્સ કો.ઓપરેટીવ બેન્ક અને સુટેક્ષ કો.ઓપરેટીવ બેન્ક ઉદ્યોગકારોની વહારે આવી છે. કોરોના વાયરસની વકરતી જતી સ્થિતિ વચ્ચે સુરત પીપલ્સ બેંક અને સુટેક્ષ બેંકે ટેક્સટાઇલ ઉદ્યોગકારોને રોકડમાં પેમેન્ટ આપવા તૈયારી દર્શાવી છે. પરંતુ મોટી રકમનું જોખમ લઇ જવા માટે ઉદ્યોગકારો પોલીસ બંદોબસ્તની માંગણી કરી રહ્યા છે.

પાંડેસરા એસોસિએશનના પ્રમુખ કમલવિજય તુલશ્યાને કહ્યું કે, કારીગરોને બેંક સુધી પહોંચવામાં લોક ડાઉનની સ્થિતિમાં મુશ્કેલી પડશે અને બેંકોમાં કારીગરોના ટોળા થાય તે પણ બરાબર નથી. આ સ્થિતિમાં મિલો કે વિવિંગ એકમોના જવાબદાર વ્યકતિને પગાર માટે બેંકથી ઔદ્યોગિક એકમ કે વસાહત સુધી પોલીસ બંદોબસ્ત મળવો જોઇએ. જો આ શકય બને તો કારીગર વર્ગની મોટાભાગની સમસ્યાનો ઉકેલ આવશે.

શહેરના અગ્રણી વીવર મયુર ગોળવાળાએ બેન્ક લોન ધરાવતા વીવર્સના લોન હપ્તા ભરવાની તારીખની મુદતમાં વધારો કરવા અને વ્યાજના દરમાં ઘટાડાની માગણી કરી છે. આ સાથે જ એચ.ટી અને એલ.ટી કનેક્શન ધરાવતા વિવર્સ ગ્રાહકો માટે લાઈટ બિલ ભરવાની છેલ્લી તારીખની મુદતમાં વધારો કરવા માગણી ઉઠાવી છે.

સચીન નોટીફાઈડના ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે, 21 દિવસથી વધુનું લોકડાઉન હોવાથી મીનીમમ બિલ, વીજબિલ અને વ્યવસાય વેરામાં ઉદ્યોગકારોને રાહત મળવી જોઇએ.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर