પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : દિવાળીનો (Diwali) પર્વ એટલે અંધકાર પર પ્રકાશનો વિજય. દિવાળી નિમિત્તે લોકો પોતાના ઘર આંગણે રંગબેરંગી રંગોળી (Rangoli) કરીને ઘરને સજાવતા હોય છે. જેમાં ફૂલોની, રંગની, સ્ટીકરની અનેક પ્રકારની રંગોળીઓ કરવામાં આવતી હોય છે. આ વખતે સુરતમાં પાણીમાં રંગોળીએ (Water Rangoli) અનોખું આકર્ષણ ઉભુ કર્યું છે.
અનેક પ્રકારની રંગોળી તમે જોઇ હશે અને તમે જાતે રંગોળીઓ બનાવી પણ હશે પણ શું તમે કયારે પાણી પર કે સ્કેચ સ્વરૂપે રંગોળી જોઇ છે. નથી ને તો આ વખતે અમે લઇ આવ્યા છીએ તમારી માટે વોટર રંગોળી જે કળા ખૂબજ ખાસ છે. આ કળા શીખવી અને તેવી રંગોળી તૈયાર કરવી ખુબજ અધરી હોય છે. અગત્યની વાત એ છે કે આ રંગોળી બનાવતા પહેલા તેની જગ્યા નક્કી કરવી જરૂરી છે. કારણકે એકવાર આ રંગોળી તૈયાર થાય પછી ખસેડી શકાતી નથી. સુરતના ડૉ. હેમંતીબેન જરદોષ આ રંગોળી ખૂબ જ સુંદર રીતે બનાવે છે. તેમણે ન્યૂઝ18નાં વાચકોને પણ પાણીમાં રંગોળી કરવાની ટેક્નિક જણાવી છે.

રંગોળી
પાણીની અંદર રંગોળી બનાવો
- સ્ટીલ અથવા કાચની ડિશ લો.
- તેમાં નીચે દિવેલ અથવા તેલ લગાવો અથવા તેલનો સ્પ્રે કરી પાતળું પડ બનાવો , લેયર બનાવો.
- જેવી રીતે જમીન ઉપર રંગોળીની ડિઝાઇન બનાવીએ તેવી રીતેજ તેલના પડ / લેયર પર કરોથીનાં રંગથી ડિઝાઇન બનાવો.
- આ રંગોળીને 30થી 40 મિનિટ રહેવા દો. જેથી કરોથીના રંગો તેલ સાથે સરખી રીતે ચોંટી જાય.
- હવે સાઈડમાંથી ધીરે ધીરે પાણી ઉમેરો. તો આવી રીતે તૈયાર થશે પાણીની રંગોળી.

ડૉ. હેમંતીબેન જરદોષ
પાણીની સપાટી ઉપર રંગોળી બનાવવા ની રીત
- એક લિટર પાણીમાં દસ ચમચી મીઠું નાખો અને બરાબર ઓગાળો.
પાણીને કાચના બાઉલમાં ભરી દો.
- હવે તેના ઉપર ટેલ્કમ પાવડર ચાળણી અથવા ગરણીથી હળવા હાથે છાંટો. પાવડરનું એક પાતળું પડ બનાવો.
- હવે તેના ઉપર કરોથીના રંગ વડે મનગમતી રંગોળી બનાવો.
- આ રંગોળીને ઘરમાં ટેબલ પર રાખી શકાય છે.