Surat honey-trap case: યુવતી પીડિત વેપારી ભરતભાઇને સ્વામિનારાણના મેસેજ મોકલવા લાગી હતી. બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત થતી હતી. વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા.
સુરત: આજકાલ હનીટ્રેપ (Honey trap case)ના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં લોકોને વિવિધ લાલચ આપીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. જે બાદમાં પૈસા ખંખેરી લેવામાં આવે છે. અનેક આવી કિસ્સાઓમાં બદનામીના ડરે લોકો ફરિયાદ પણ કરતા નથી. સુરતમાં હનીટ્રેપનો (Surat honey trap case) કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે બે મહિલા સહિત કુલ છ લોકોની અટકાયત કરી છે. આરોપીઓએ પીડિત વેપારી પાસેથી 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા અને વધુ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ કેસમાં મહિલાએ જે રીતે વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો તે રીત જાણીને ખરેખર સાવધ થઈ જવા જેવું છે.
અજાણ્યા નંબર પરથી આવ્યો વોટ્સએપ મેસેજ
સુરતના વરાછા મીનીબજાર ખાતે મીરાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ હપાભાઈ લુખી (ઉં.વ .46, મૂળ ગારિયાધર, ભાવનગર) મીનીબજાર ખાતે વાલમ ફરસાણની દુકાન ચલાવે છે. આશરે 15 દિવસ પહેલાં તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ મળ્યા બાદ ભરતભાઇએ "HI" લખીને મેસેજ મોકલતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ ખુશ્બૂ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ યુવતી ભરતભાઇને સ્વામિનારાણના મેસેજ મોકલવા લાગી હતી. બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત થતી હતી. વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા.
નાસ્તો લઈને આવવા કહ્યું
દરમિયાન ગત તારીખ સાતમી એપ્રિલના રોજ બપોરે યુવતીએ ભરતભાઇને "કોલ મી" નો મેસેજ કર્યો હતો. જેથી ભરતભાઇએ વોટ્સએપ કોલ કરતા ખુશ્બૂએ નાસ્તો લઇને આવવા કહ્યું હતુ. બપોરે એક વાગ્યે વોઇસ રેકોર્ડિંગ મોકલીને પણ ખુશ્બૂએ નાસ્તો લઇને આવવાની વાત કરી હતી. ખુશ્બૂએ ભરતભાઇને ડભોલી રોડ ખાતે મનિષનગર માર્કેટ ખાતે આવી કૉલ કરવાનું કહ્યું હતુ.
યુવતીના મેસેજ બાદ ભરતભાઇ ખોડિયાનગરથી નાસ્તો લઇ બપોરના બે વાગ્યે મનિષનગર પહોંચ્યા હતા. અહીં યુવતીએ ભરતભાઈને ફ્લેટમાં લઇ જઇને સોફા પર બેસાડ્યા હતા. ત્યારબાદ યુવતી ખભે હાથ મૂકીને ભરતભાઈને બીજા રૂમમાં લઇ ગઈ હતી. અહીં યુવતીએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ હોવાનું જણાવી ભરતભાઈ સાથે શારીરિક અડપલાં શરૂ કરી દીધા હતા.
બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી
આ દરમિયાન બે યુવકોએ રૂમમાં ધસી આવ્યા હતા. તેઓએ રૂમમાં ઝઘડો શરૂ કર્યો હતો, બાદમાં વધુ બે યુવકો બે રૂમમાં ઘૂસ્યા હતા. તેઓએ ભરતભાઇને એલફેલ બોલી માર માર્યો હતો. બાદમાં આ ઠગ ટોળકીએ ભરતભાઈને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. જો કેસ ન કરવો હોય તો સમાધાન માટે પૈસાની માંગણી કરી હતી. ડરી ગયેલા ભરતભાઇએ તેઓને 10 હજાર રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ આ ગેંગે વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી.
આ મામલે ભરતભાઇએ ફરિયાદ આપતા સિંગણપોર પોલીસે ગુનો નોંધી હનીટ્રેપમાં ફસાવનારી ટોળકીના સભ્યો જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલની અટકાયત કરી હતી. પોલીસ હાલ એવી તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય લોકોને પણ આવી રીતે હનીટ્રેપમાં ફસાવ્યા છે કે કેમ? સુરતની આ કિસ્સો ખરેખર ચેતવણી સમાન છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર