ભરતસિંહ વાઢેર, વલસાડ : રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું (Gujarat Monsoon) આગમન થઇ ગયું છે પ્રથમ દિવસે જ મેઘરાજાએ વલસાડ (Valsad) જિલ્લામાંથી જોરદાર એન્ટ્રી કરી હતી. જેમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને રાજ્યનું ચેરાપૂંજી ગણાતા કપરાડા (Kaprada) તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી આજે સવાર સુધી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 2 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.જેને કારણે નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઇ હતી. જોકે કપરાડા તાલુકાના મનાલા ગામમાં ભારે વરસાદને કારણે ગામનો પીવાના પાણીનો એક માત્ર સ્તોત્ર એવો પાતાળકૂવો (Abyssal well) ધરાશાયી થઈ ગયો હતો .ભારે વરસાદને કારણે કૂવાના આસપાસની જમીન ધસી પડી હતી. જેના કારણે કૂવાની પાળી સહિતનો ભાગ પણ ધસીને કૂવામાં પુરાઈ ગયો હતો. આ ઘટના લાઇવ વીડિયોમાં (Live Video) કેદ થઈ હતી
કપરાડા તાલુકાના મનાલા ગામના ફળિયા 200થી વધુ પરિવારો માટે પીવાના પાણી અને અને વપરાશ માટેના પાણીનો એકમાત્ર સ્ત્રોત એવો આ પાતાળ કૂવો પહેલા વરસાદમાં જ ધસી જતા લોકોને પીવાના પાણીની થોડા સમય સુધી મુશ્કેલી સર્જાઇ શકે છે.
મનાલા ગામના આલાય ફળિયામાં કુવો ધસી પડવાના જીવંત દ્રશ્યો સ્થાનિક લોકોએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા.જોકે કૂવો ધસી પડવાના આવા જોખમી સમયે પણ લોકોએ જીવને જોખમમાં મૂકી કૂવામાંથી પાણી ખેંચવા માટે મુકેલી મોટરો ને બચાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આખરે કેટલાક સામાનને લોકો જીવને જોખમમાં મુકી અને બચાવી શક્યા હતા. બાકીનો સામાન કૂવાની દિવાલ અને માટીની સાથે ધસી અને કુવામાં પુરાઈ ગયો હતો. આલય ફળિયાના 200થી વધુ પરિવારો પીવાના પાણી અને પશુઓ ને પાણી પીવડાવવા સાથે અને ઘરવપરાશ માટે પણ આ પાતાળ કૂવાના પાણી પરજ નિર્ભર રહે છે.
ઉનાળાના દિવસોમાં પાણીની જ્યારે તંગી હોય છે. ત્યારે આ કૂવો લોકોની તરસ છીપાવવાનું એકમાત્ર સાધન છે. પરંતુ આ વખતે ચોમાસાના આગમન વખતે જ કૂવો ધસી પડતાં આસપાસની માટી કુવામાં પુરાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આથી સ્થાનિક લોકો ધસી પડેલ કૂવાનું રીપેરીંગ કરાવવા માંગ કરી રહ્યા છે.
આમ રાજ્યના હવામાન વિભાગે આજથી જ વિધિવત રીતે રાજ્યના વલસાડ જિલ્લાથી ચોમાસાના આગમનની શરૂઆત થઇ હોવાનું જાહેર કર્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં એન્ટ્રી વખતે જ મેઘરાજાએ બોલાવેલી જોરદાર બેટિંગને કારણે કપરાડા તાલુકામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે મનાલાનો આ પાતાળકૂવો ધસી પડતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જેથી આગામી સમયમાં લોકો માટે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ શકે છે. એવા સમયે તંત્ર દ્વારા વહેલી તકે આ કૂવાનું રીપેરીંગ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.