કિર્તેશ પટેલ સુરત : મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી બાદ તાપી નદીમાં દેખાયેલા મગરને સ્થાનિક લોકોએ બુધવારે રાત્રે પકડીને વન વિભાગને સોંપી દીધો હતો. પકડાયેલો મગર પાંચ ફૂટ લાંબો હતો. ઘણા લાંબા સમયથી આ મગરને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા હતા.
સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા કોઝવેના નીચેના ભાગમાં લાંબા સમયથી મગર દેખાતો હતો. આ મગર મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ બાદ ઉકાઈ ડેમમાં આવ્યો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ આ મગર તણાઇને નદીમાં આવ્યો હતો.
આ મગર પહેલીવાર પાલ વિસ્તારમાં દેખાયો હતો. આ સમયે મગરને પકડવા માટે વન વિભાગે ઝાળ નાખી હતી પરંતુ મગર હાથમાં આવ્યો ન હતો. જે બાદમાં સ્થાનિક લોકોએ આ મગરને અનેકવાર કોઝવેના નીચાણવાળા વિસ્તાર અને ઝીલાણી બ્રિજ પાસે જોયો હતો. નદીમાં આવી પહોંચેલો મગર પાંચ ફૂટનો હોવાથી તેને પકડવા માટે સ્થાનિક માછીમારો અને વન વિભાગના કાર્યકરો મહેનત કરી રહ્યા હતા.
આ પણ વાંચો : બે સગીર ભાઇઓએ 14 વર્ષની કિશોરી પર આચર્યું દુષ્કર્મ, જાનથી મારવાની આપી ધમકી
બુધવારે રાત્રે આ મગર ફરી એકવાર દેખાતા સ્થાનિક માછીમારી કરતા યુવાનોએ તેને પકડી લીધો હતો અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે આ મગરનો કબજો મેળવીને તેને સુરક્ષિત જગ્યાએ છોડી દેવાની કવાયત શરૂ કરી છે. સ્થાનિક માછીમારોનું માનીએ તો તાપી નદીમાં હજુ ચારથી પાંચ મગરો રહે છે. આ મગરોને પકડવા માટેની કવાયત ચાલી રહી છે.