સુરત : કોરોના વાયરસ (Coronavirus) વચ્ચે લોકોને એકત્ર ન થવાની સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન સાંજ પડતા કર્ફ્યૂ (Curfew)માં લોકોને ઘરોમાં રહેવાનો આદેશ છે ત્યારે કેટલાક રત્ન કલાકારો (Diamond Worker) પોતાના ધાબે પાર્ટી કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ અંગેની ફરિયાદ બાદ પોલીસ દોડી આવી હતી. જોકે, પોલીસ (Police)ને ધાબા પાર્ટીના કોઈ પુરાવા મળ્યાં ન હતા પરંતુ પોલીસે પાંચ વ્યક્તિઓ સામે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.
લૉકડાઉનમાં સાંજે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યૂનું પાલન કરવાનું હોય છે. ત્યારે રાત્રીના સમયે કેટલાક લોકો એકઠા થયા હોય છે. કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે સુરતના લોકો આજે પણ સુધરવાનું નામ નથી લેતા. આ લોકો ધાબા પર એકત્ર થઈને પાર્ટી કરતા હોવાની ફરિયાદ સુરતના અમરોલી પોલીસને મળી હતી.
અમરોલી વિસ્તારમાં આવેલા સાયણ રોડ સ્થિત માણકી રેસિડન્સીના એ બિલ્ડિંગના ધાબા પર લોકો પાર્ટી કરી રહ્યા હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલરૂમને મળ્યો હતો. જે બાદ પોલીસે દરોડાં કર્યાં હતાં. પોલીસે દરોડાં દરમિયાન બે બિલ્ડિંગના અલગ-અલગ નંબરના ફલેટમાં રહેતા પાંચ રત્નકલાકાર જીગ્નેશ કરમશી રાસીયા, બટુક પરબત સાવજ, મયુર બટુક સાવજ, સંજય મધુભાઇ નારોલા અને હરેશ પોપટ દેસાઇને ઝડપી પાડ્યા હતા.
પોલીસે બિલ્ડિંગના ધાબા પર શોધખોળ કરવા ઉપરાંત તમામની પૂછપરછ કરી હતી. પરંતુ પાર્ટી કરતા હોવાના કોઇ પુરાવા હાથ લાગ્યા ન હતા. પરંતુ તમામ નવરાશની પળોમાં ટોળે વળી ગપ્પા મારી રહ્યા હોવાની કબૂલાત કરી હતી. આ દરમિયાન તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું હોવાથી પોલીસે તમામ રત્નકલાકાર વિરૂધ્ધ એપીડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે તમામને જામીન પર મુક્ત કરી દીધાની માહિતી મળી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર