કેતન પટેલ, સુરત : સુરતમાં (Surat) છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસના આંકડા કાબૂમાં આવી ગયા છે. સરકારની કામગીરી અને અન્ય ઘણી ખરી બાબતોનાં કારણે સતત કેસ ઘટી રહ્યા છે. જોકે, થોડા દિવસો પહેલાં જ એવો સમય હતો કે એમ્બ્યુલન્સ માટે કલાકોનું વેઇટિંગ હતું. એમ્બ્યુલન્સની (Ambulance) ખાનગી સેવા પુરી પાડતા તત્વોએ આ સમયમાં સેવાને બદલે મેવા ખાવા રાતોરાત ભાડા ડબલ કરી નાખ્યા હતા. જોકે, આ સ્થિતિમાં પોતાના લોકો માટે એક પૂર્વ જનપ્રતિનિધિએ પોતાની કારને એમ્બ્યુલન્સમાં ફેરી નાખી હતી. કામરેજના પૂર્વ ધારાસભ્ય (Ex MLA Kamrej) પ્રફુલ પાનસુરિયાની (Praful Pansuriya) આ સેવાકીય પ્રવૃતિ ચર્ચામાં છે. તેમણે જરૂરિયાતના સમયે પોતાની ઇનોવા કારને એમ્બ્યુલ્સમાં ફેરવી નાખી. જોકે, રાત્રે ડ્રાઇવરની અછત હોય તેવામાં જાતે જ ડ્રાઇવર બની દર્દીઓને લઈ જતા હતા. હાલમાં જ આવો એક વાયરલ વીડિયો (Viral Video) સામે આવ્યો છે.
પ્રફુલભાઈ તેમના સૌમ્ય સ્વભાવ અને સેવાકીય પ્રવૃત્તિ માટે ખૂબ જાણીતા છે. તેઓ ગત ટર્મમાં ભાજપની ટિકિટથી કામરેજ બેઠકથી ધારાસભ્ય ચૂંટાયા હતા. કામરેજ તાલુકામા તેમની છબી એક ઉદાર હૃદયના નેતા તરીકેની છે. ધારાસભ્યની ટર્મ પુરી થયા બાદ પણ તેમણે પક્ષની વફાદારી અને સેવાકીય પ્રવૃત્તિ છોડી નથી. હાલમાં જ કોરોનાને કારણે સુરત શહેરમાં એમ્બ્યુલન્સની અછત વર્તાઈ હતી અને ખાનગી એમ્બ્યુલન્સ વાળા યેનકેન પ્રકારે ભાડું વસુલતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
સુરત : પૂર્વ ધારાસભ્યએ પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી, જાતે ડ્રાઇવ કરી દર્દીને હૉસ્પિટલ પહોંચાડ્યા- Viral Video pic.twitter.com/2hiPpJus14
તેવામાં પ્રફુલભાઈએ તેમની ઇનોવા કારને એમ્બ્યુલન્સમાં ફેરવી કોરોનાના દર્દીઓ માટે મફત સેવામાં અર્પણ કરી હતી. આજે તેઓ ડ્રાઇવરની અછત પડતા કોવિડના દર્દીઓને જાતે કોવિડ સેન્ટર સુધી લઈ ગયા હતા અને ત્યાંથી સાજા થયેલા દર્દીઓને તેમના ઘરે પોહચાડ્યા હતા. પ્રફુલભાઈ પાનસૂરિયાએ માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે સુરત ગ્રામ્ય સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો પીક હતો તેવામાં આ ઉત્તમ કાર્ય તેમણે નિસ્વાર્થ ભાવે જ કર્યુ હતું. લોકોએ કલાકો એમ્બ્યુલન્સની રાહ જોઈ ત્યારે જો અનેક જનપ્રતિનિધિઓ અને આગેવાનોએ આ રસ્તો અપનાવ્યો હોત કેટલાય દર્દીઓને રાહત મળી શકી હોત.