સુરત : કાપડ માર્કેટમાં દુકાન મલિક પર કર્મચારીનો હુમલો, સારવાર દરમિયાન મોત

News18 Gujarati
Updated: October 12, 2019, 2:58 PM IST
સુરત : કાપડ માર્કેટમાં દુકાન મલિક પર કર્મચારીનો હુમલો, સારવાર દરમિયાન મોત
વેપારી પર દુકાનમાં જ હુમલો.

વેપારી પર હુમલા બાદ માર્કેટમાં ભાગદોડ મચી ગઈ હતી, કારીગરે જ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરના કાપડ માર્કેટમાં ગતરોજ એક વેપારી પર ચપ્પુ વડે હુમલાની ઘટના સામે આવી હતી. હુમલા બાદ વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન વેપારીનું મોત થયું છે. પોલીસ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વેપારી પર તેના કારીગરે જ ચપ્પાથી હુમલો કર્યો હતો.

સુરતના રીંગ રોડને કાપડ માર્કેટનું હબ કહેવામાં આવે છે. બેગમવાડી ખાતે આવેલા શુભમ માર્કેટના ભોંયતળિયે મંગલ ક્રિએશનના નામે સાડીની દુકાન ધરાવતાં વેપારી ઉપર ગતરોજ સાંજે તેમની દુકાનના જ એક કર્મીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ કર્મચારી ભાગી ગયો હતો. વેપારીના હુમલાને પગલે કાપડ માર્કેટમાં ચકચાર મચી જવા પામી હતી.

હુમલાની ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પણ માર્કેટ ખાતે દોડી આવી હતી. આ મામલે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે હુમલાખોરથી બચવા માટે વેપારી તરુણભાઈ દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતા. જે બાદમાં તેઓ નજીકની દુકાનની બાજુમાં ફસડાઈ પડ્યા હતા. આ તકનો લાભ લઈને હુમલાખોર ફરાર થઈ ગયો હતો.આસપાસના દુકાનદારોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હુમલો કરનાર વેપારીની દુકાનનો જ કારીગર હતો. કોઈ આંતરિક વિવાદમાં આ હુમલો થયાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે દુકાન અને માર્કેટના સીસીટીવી ફૂટેજ મેળવી હુમલાખોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે.

દિવાળી પહેલા જ આવી ઘટના બનતા કાપડ માર્કેટના વેપારીઓમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ છે. કર્મચારીના હુમલા બાદ સારવાર માટે ખસેડવામાં આવેલા વેપારીનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर