સુરત: શહેરમાં (Surat) વધતા ગુનાખોરીના (Surat Crime) ગ્રાફને ડામવા સુરત પોલીસ દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકો સાથે એક ફ્રેન્ડલી અભિગમ અપનાવીને શહેર પોલીસ ક્રાઈમ રેટ પર કાબુ મેળવવાના પ્રયત્નોમાં છે. આ પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે હવે બીજો એક નવતર પ્રયોગ સુરત પોલીસ (Surat police) દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. અને એ છે કે, લોકોનો અભિપ્રાય મેળવવા સજેશન બોક્ષ. શહેર પોલીસ દ્વારા શહેરના જાહેર બાગ બગીચા અને અન્ય કેટલાક સ્થળો પર આ પ્રમાણે સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે.
સુરત પોલીસ દ્વારા જે સજેશન બોક્ષ મુકવામાં આવ્યા છે તે મુકવા પાછળનો ઉદ્દેશ્ય પણ એટલો જ છે કે, લોકો પાસે અભિપ્રાય લઈ શકાય. લોકો પોતાની ઓળખ છુપી રાખીને એવી કોઈપણ પ્રવૃત્તિ જેમાં ગુનાખોરી સામેલ હોય, જે લોકોના ધ્યાનમાં આવી હોય પણ હજી સુધી પોલીસની નજરથી દૂર હોય, અથવા સુરત પોલીસની કામગીરીમાં કોઈ પણ પ્રકારના સુધારની જરૂર હોય તે તમામ જાણકારી આ સજેશન બોક્સમાં એક ચિઠ્ઠી દ્વારા આપી શકે છે.
જે તે વિસ્તારના પોલીસ દ્વારા સમયાંતરે આ સજેશન બોક્સને ખોલીને લોકોને નડી રહેલા એ તમામ પ્રયત્નોને હલ કરવાના પ્રયત્નો પણ કરવામાં આવશે. આ પ્રયાસ થકી ગુનાઓને અટકાવવાની દિશામાં કામ કરવામાં આવશે.
આ પ્રયાસ થકી ગુનાઓને અટકાવવાની દિશામાં કામ કરવામાં આવશે.
આમ શહેર પોલીસ દ્વારા શહેરના ખૂણેખૂણે સીસીટીવી કેમેરા તો લગાવવામાં આવ્યા જ છે, જેના થકી આરોપીઓને ઝબ્બે કરી શકાય, પણ તેની સાથે સાથે આ સજેશન બોક્સ પણ શહેરમાં વધતા ક્રાઇમને અટકાવવા એક નાના પ્રયત્ન તરીકે કામ લાગશે એવું સુરત પોલીસનું માનવું છે.