સુરત : 'મારા પપ્પાનું મૃત્યુ કોરોનામાં નથી થયું, તેઓ દેશ માટે શહીદ થયા છે,' વાયરસનો ભોગ બનનારા SMC કર્મીના પરિવારોની હ્યદય દ્રાવક કહાણી

સુરત : 'મારા પપ્પાનું મૃત્યુ કોરોનામાં નથી થયું, તેઓ દેશ માટે શહીદ થયા છે,' વાયરસનો ભોગ બનનારા SMC કર્મીના પરિવારોની હ્યદય દ્રાવક કહાણી
સુરત કોરોના વાયરસ સામે જંગ હારનાર એસએમસી કર્મચારી કડિયાના પરિવારની ન પુરાય તેવી ખોટ પડી છે.

સુરત મહાનગરપાલિકાના 24 કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા અને ક્યારેય પાછા ઘરે ન પહોંચ્યા, આ પરિવારના સભ્યોએ પિતા-પતિ, દીકરો, ભાઈ ગુમાવ્યો છે. વાંચો આ ખાસ અહેવાલ અને જાણો શું કહે છે કોરોના યોદ્ધાના પરિવારો

  • Share this:
સુરત શહેરમાં આમ તો અનેક કોરોના (Surat Corona Warrior) યોદ્ધાઓએ જીવ ગુમાવ્યા છે. જોકે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના યોદ્ધાઓની વાત સાંભળીને તમારા હ્રદય દ્રવી ઉઠશે. પાલિકાના આ યોદ્ધાઓના પરિવારની સ્થિતિ શું છે તે જાણીને ખરેખર કોરોના યોદ્ધા કોને કહેવા તે સમજી શકાશે. કોઈનું સંતાન એકલું પડી ગયું તો કોઈની માતા, કોઈની પત્નીનો જીવનનો સાથ છૂટી ગયો. કોરોના વાયરસના સંક્રમણની વખતે ફરજ દરમિયાન અત્યારસુધીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના 24 કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે.  આ સ્થિતિ વચ્ચે કોરોનાની ફરજ વખતે જીવ ગુમાવનારા કોરોના યોદ્ધાઓના પરિવાર વચ્ચે જઈને ન્યૂઝ18 ગુજરાતી પ્રસ્તુત કરી રહ્યું છે ખાસ અહેવાલ

એક માતા માટે તેમના જીવની સૌથી દુ:ખદાયક ઘટના એ  હોય છે કે તેમની હયાતીમાં તેમના દિકરાનું નિધન થાય, આ માતાની વેદનાને સમજવા માટે કદાચ આપણું જીવન પણ ટુંકુ પડે, ચોંધાર આંસુએ રડી રહેલા આ વૃદ્વ માતાની વેદનાને સમજાવવા માટે કોઈ શબ્દો નથી, કારણ કે આ દ્રશ્ય જ ગણું બધુ કહી જાય છે. જેમના દિકરા સુરતીવાસીઓની સેવા કરતા કરતા મોતને ભેંટયા, માટે જ આ માતા કહી રહ્યાં છે કે મારા દિકરાએ કોઈની સેવા ન લીધી અને અન્યની સેવા કરી મૃત્યું પામ્યા.કિરણભાઈ ભરતભાઈ દેસાઈ સુરત કોર્પોરેશનમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા, કોરોનાના આ સમયમાં રાત દિવસ જોયા વગર પોતાની ફરજ નિભાવતા નિભાવતા 29મી ઓકટોબર 2020ના રોજ સંક્રમિત થયા હતા, અને 26 દિવસની સારવારના અંતે 23મી નવેમ્બર 2020ના રોજ કોરોના સામેનો જંગ હારી ગયા, જોકે કિરણભાઈના પત્ની દુ: ખ અને ગર્વ સાથે કહે છે કે તેમના પતિએ ઘર કરતા વધુ મહત્વ દેશને આપ્યું.

કિરણ દેસાઈનો પરિવાર


સેજલ, કિરણભાઈની લાડકવાયી, વ્હાલનો દરિયો, પપ્પાનો પ્રેમ, જેને જોઈને જ કિરણભાઈનો દિવસભરનો થાક ઉતરી જતો, જેમનો ચહેરો પ્રફુલ્લિત થઈ ઉઠતો, સાંજ પડેને કિરણભાઈના ઘરે આવતાની સાથે જ દિકરી સેજલ પિતા પ્રેમ વરસાવી દેતી, એ જ સેજલના નવા વર્ષની 30મી જાન્યુઆરીના રોજ લગ્ન છે, જેના ધામધૂમથી લગ્ન કરવા માટે આખું પરિવાર તૈયારી કરી રહ્યું હતુ, તે પરિવાર આજે વેદનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે, આજે એ જ સેજલ પિતાનો એ ખાલીપો અનુભવી રહી છે, કારણ કે એક દિકરી માટે તેના પિતા સર્વસ્વ હોય છે, તેમ છતાં ઉભરાતી આંખો સાથે સેજલ કહે છે કે મારા પિતા દેશ માટે શહીદ થયા છે

કિરણભાઈ જેવા કર્મનિષ્ઠ કર્મચારીના પરિવારની જેમ સુરત આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓના પરિવાર પણ હાલમાં આજ વેદનામાંથી પસાર થઈ રહ્યાં છે, કિરણભાઈની જેમ જ સમાજની સેવા કરતા કરતા મનોજભાઈ કડિયા નામ કર્મચારીએ પણ પોતાના જીવની આહૂતી આપી. ભીની આંખો, સ્તબ્ધ ચહેરો, ઘણું બધુ આજે કહી રહ્યો છે, પોતાના સ્વજનની ખોટનો આઘાત અશ્રુરૂપી આંખોથી સમજી શકાય છે, આ છે સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગ્ય કામ કરનાર મનોજભાઈ કડિયાનો પરિવાર. કોરોનાના કાળમાં લોકડાઉનથી કોરોના સંક્રમિત થયા ત્યાં સૂધી રજા ન રાખનાર મનોજભાઈને અસ્મિતા બહેન જયારે પણ રજા રાખવાનું કહેતા ત્યારે એક જ વાત હસતા મોઢે.

આ પણ વાંચો :  રાજ્યમાં બે અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં કરૂણ મોત, માણાવદરમાં માતા-પુત્ર, લીંબડીમાં યુવકની જિંદગી હણાઈ

કોરોનાના સમયમાં સુરતનો વરછા વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર બન્યો હતો, કોરોનાને નિયંત્રણમાં લેવા માટે અને સ્થિતિ વધુ ન બગડે તે માટે કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની ફોજ ઉતારી દેવામાં આવી હતી, જેમાના એક મનોજભાઈ પણ હતા, મહેસાણા જિલ્લાના ખેરુલા ગામના વતની મનોજભાઈ વર્ષ 2003માં સુરત કોર્પોરેશનમાં જોડાયા હતા, અને છેલ્લા 17 વર્ષથી સુરતના લોકોની સેવા કરતા હતા, અને આ સેવા દરમિયાન જ 21મી નવેમ્બરના રોજ તેઓ સંક્રમિત થયા, અને મૃત્યુ પામ્યા, મનોજભાઈ નથી રહ્યાં તેનું દુ:ખ પરિવારને હોય તે સ્વાભાવિક છે, પણ આ દુ:ખ વચ્ચે પણ કર્મચારીઓની કામગીરીને તેમના પત્ની ગર્વથી બિરદાવી રહ્યાં છે.

મનોજ ભાઈ કેડિયાનો પરિવાર


હવે વાત કરીશું એક એવા કોરોના વોરિયરની જેઓએ નિવૃત જીવન ઘરમાં વિતાવવાના બદલે સમાજની સેવા કરવાનું પસંદ કર્યુ, અને સેવા કરતા કરતા જ સંક્રમિત થયા અને મૃત્યું પામ્યા. એક એવી કર્મનિષ્ઠ વ્યકિત જેમણે સુરતની ત્રણ મોટી મહામારીમાં સેવા આપી, સુરતમાં ફાટી નિકળેલા પ્લેગમાં અને 2006માં આવેલા વિનાશક પૂરમાં 18-18 કલાક કામ કરી સુરતની સેવા કરનાર એ વ્યકિત કોરોના સામેની જંગ હારી ગયા.

ટેકાના સહારે આગળ વધતા આ બહેનનું નામ છે સંગીતા પારેખ, જેઓ આજે તેમના જીવનનો મૂળ આધાર ગુમાવી ચુકયા છે, આ મૂળ આધાર એટલે તેમના પતિ સુરેન્દ્રભાઈ પારેખ, સુરેન્દ્ર પારેખ કોરોનાના કાળમાં લોકોની સેવા કરતા કરતા સંક્રમિત થયા અને મોતને ભેટયાં, હજુ તો તેમના મૃત્યુ બાદ પરિવારની આંખના આંસુ પણ સુકાયા નથી, પણ તેઓ દરરોજ સુરેન્દ્રભાઈના સેવાકીય સ્વાભાવને યાદ કરે છે અને ગર્વ અનુભવે છે. સુરેન્દ્રભાઈના પત્ની સંગીતા બહેન પોતે પણ સુરેન્દ્રભાઈની જેમ જ કોરોનાથી સંક્રમિત થયા, અને 15 દિવસની સારવાર બાદ સાજા પણ થયા, પણ તેમના પતિ પરત નથી આવી શકયા તેનું દુ:ખ તેમના માટે અસહ્ય થઈ પડયું છે, આ દુ:ખ વચ્ચે પણ તેઓ તેમના પતિની સેવાકીય પ્રવૃતિને બિરદાવે છે.

આ પણ વાંચો :  સુરત : 'હત્યારો પ્રેમી,' સાળીની પરિણીત દીકરીના પ્રેમમાં પત્નીની કરી નાખી હતી હત્યા, 5 વર્ષથી પ્રેમિકા સાથે હતો ફરાર

સુરેન્દ્રભાઈ એક એવા વોરિયર જેમની નિષ્ઠાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા પડે,1987થી કોર્પોરેશનમાં નોકરી કરતા સુરેન્દ્રભાઈએ આમ તો કોરોના પહેલા જ સ્વેચ્છિક નિવૃતિ લઈને આરામ કરી રહ્યાં હતા. પણ તે દરમિયાન જ કોરોના મહામારી ફાટી નિકળતા કોર્પોરેશનમાં સામે ચાલીને તેમને કામગીરી માંગી, તેમની તત્પરતાને જોઈને સુરત કોર્પોરેશન દ્વારા તેમને કોરોના માટેના ડેટા એકત્ર કરવાની કામગીરી સોંપી હતી, એ સુરેન્દ્રભાઈ જેઓ સુરતમાં પ્લેગ ફાટી નિકળ્યો ત્યારે પણ સુરતવાસીઓની સેવામાં રહ્યાં, 2006ના પૂરમાં પણ સુરતવાસીઓને બચાવવામાં 18-18 કલાક કામ કર્યુ, પણ આ વખતે નિયતી કંઈક જુદુ જ કહી રહી હતી, રાંદેર વિસ્તારમાં કામ કરતા કરતા 10મી જૂનાના રોજ સંક્રમિત થયા અને 6 દિવસની સારવાર બાદ 16મી જુનના રોજ મુત્યુ પામ્યા..લોકોના જીવ બચાવવા માટે રાતદિવસ કામ કરતો દિકરો પરત ન આવે તો તેમના પિતા પર શું વિતતુ હશે તે કહેવું મુશ્કેલ છે
.
સુરેન્દ્રભાઈના ઉમદા વિચારોનું સર્વોતમ ઉદાહરણ એટલે તેમની દિકરી રેવા, જે દિકરીને તેમને લાડકોડથી ઉછેરીને મોટી કરી, તમને જાણીને નવાઈ લાગશે, કે સુરેન્દ્રભાઈ અને સંગીતાબહેનને કોઈ સંતાન ન હતુ, અને બે વર્ષની બાળકીને દત્તક લીધી હતી, આ બે વર્ષની બાળકી રેવાને રેવાની જેમ જ ખળખળ હસતી મોટી કરી, માટે જ દિકરી આજે કહી રહી છે, મારા પપ્પા કયાં નથી ગયા, આજે મારા પપ્પા મારી પાસે જ છે.

દીકરી રોજ સવારે ઊઠીને પોતાના પિતાને યાદ કરે છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.


કોરોના વોરિયરની આ કહાની સૌ કોઈને વિચારતા કરી દે તેવી છે, આ તો વાત કરી આપણે એવા વોરિયરની જેમણે સમાજની સેવા કરવામાં પોતાના જીવની આહુતી આપી દીધી, પણ હવે વાત કરીશુ એવા વ્યકિતઓની કે જેઓ મોતને હાથતાળી આપી પરત ફર્યા, માત્ર એ કર્મચારીઓ જ નહી પણ તેમના ઘરના સભ્યો પણ કોરોનાનો ભોગ બન્યાં, અને એકબીજાની હુંફ અને પ્રેમની તાકાતથી મોતને હાથતાળી આપી પરત ફર્યા.

આ પણ વાંચો :  વડોદરા : બંગ્લોમાંથી ચોરી કરતા રંગેહાથ ઝડપાયા ચોર, એક માળિયામાં બીજો બેડમાં છૂપાઈ ગયો હતો

હસતો રમતો આ પરિવાર છે ઘનશ્યામભાઈ ડાભીનો, ઘનશ્યામભાઈ પોતે સુરત કોર્પોરેશનમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે સેવા આપે છે, કોરોનાના સમયમાં જયારે તેઓ ફરજ પર હતા ત્યારે સૌપ્રથમ તેમની દિકરી કોરોનાનો શિકાર બની, દિકરીના સમાચાર જાણીને જ ઘનશ્યામભાઈ માનસિક રીતે પડી ભાંગ્યા હતા, તેમ છતાં ફરજ પર હાજર રહેતા અને દિકરીને પણ શકય હોય તે તમામ મદદ કરતા હતા, તે દરમિયાન તેઓ પણ કોરોનાનો શિકાર થયા, હજુ તો માંડ 13 દિવસની સારવાર બાદ ઘરે આવ્યાં ત્યાં જ દિકરો અને પત્ની બંને કોરોનામાં સપડાયા, એક તરફ કામ અને બીજી તરફ પારિવારિક જવાબદારી નિષ્ઠાથી અદા કર્યા બાદ આખો પરિવાર આજે હેમખેમ છે, જેના માટે તેઓ કુદરતનો આભાર માને છે.

ઘનશ્યામભાઈના જેવી જ સ્થિતિનો સામનો કરી પરત ફર્યા છે નિલેશભાઈ, નિલેશભાઈ પણ કોર્પોરેશનમાં અન્ય કમર્ચારીઓને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાના કામ વ્યસ્ત રહ્યાં હતા, તે પછી કર્મચારીઓને મોજા આપવાના હોય કે સેનેટાઈઝર પહોંચાડવાનું હોય, કે પવી અન્ય દવાઓનો સ્ટોક, તેઓ પણ પોતાની આ ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા, તેમની સાથે સાથે તેમનો દિકરો પણ કરોનાનો શિકાર બન્યો, તેમ છતાં આજે તેઓ એક જ વાત કરે છે કે કોરોનાથી ગભરાવવાની જરૂર નથી, પણ સાવધાની રાખવાની જરૂર છે, જેથી અન્ય લોકો તેનો શિકાર ન બને

જી હા વાત એટલી સાચી છે, જેઓ આ પીડામાંથી બહાર આવ્યાં છે તેમની આ વેદના બોલી રહી છે, જેને ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે કોરોના કોઈનો સગો નથી, એ જયારે થાય છે ત્યારે આખું પરિવાર તેમાં સપડાય છે, માટે સાવધાની રાખો, અને કોરોનાથી બચો, માસ્ક પહેરો અને અને કોરોનાથી બચો, સાવધાની અને જાગૃતિ જ હાલના સમયે રામબાણ ઈલાજ છે..
Published by:Jay Mishra
First published:December 26, 2020, 12:58 pm

ટૉપ ન્યૂઝ