સુરતના મચ્છુ કઠિયા સઈ-સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ સુરતના હોદ્દેદારો અને સાસરીયાંઓને ઉદ્દેશી પોતાના ફેસબુક એકાઉન્ટમાં અભદ્ર ટીપ્પણી કરનાર મહારાષ્ટ્રના ધુલેના યુવાને ફરી ફેસબુક ઉપર સમાજના અગ્રણી અને તેમના પરિવારજનો તેમજ પ્રમુખ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરતા પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કર્યા બાદ ગતરોજ ધરપકડ કરી હતી. સાત માસ અગાઉ પણ લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને પગલે યુવાનની ધરપકડ થઇ હતી અને તે જામીન મુક્ત થયો હતો.
મૂળ મહારાષ્ટ્રના ધુલેમાં જમનાગીરી રોડ ખાતે રહેતા પ્રશાંત નાથાલાલ ધામેચાએ સુરતના વરાછા વિસ્તારની યુવતી સાથે વર્ષ 2014માં પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ પ્રશાંતને દારૂ પીવાની ટેવને લીધે તેમજ કોઈ કામધંધો કરતો ન હોય યુવતી સુરત પરત ફરી હતી. બાદમાં સમાજના અગ્રણીઓએ સમાધાન કરાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ સમાધાન થયું ન હતું અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે યુવતીએ આ યુવક સાથે સંબંધો તોડી નાખતા સમાજના આગેવાનોના કારણે આ લગ્ન ભંગાણ થયું હોવાનું માનતા આ યુવાને સમાજના આગેવાનો વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ફેસબુક પર કોમેન્ટો શરૂ કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, સાત માસ અગાઉ પ્રશાંતે પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી સમાજના હોદ્દેદારો અને સાસરીયાંઓને ઉદ્દેશી અભદ્ર ટીપ્પણી કરી હતી. જેને લઇને સમાજના આગેવાનો દ્વારા સુરતના લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ આપવાનું નક્કી કર્યું હતું. જોકે ગત 31 ડિસેમ્બરના રોજ સમાજના પ્રમુખે તેના વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. બાદમાં આ કેસમાં કોર્ટ આરોપી યુવાનને જમીન મુક્ત કર્યો હતો. જોકે ત્યારબાદ આ યુવાન થોડો સમય શાંત રહ્યો હતો, પરંતુ હવે પ્રશાંતે ફરી તેના ફેસબુક એકાઉન્ટમાં અભદ્ર ટીપ્પણી કરવાનું શરૂ કરી દીધુ છે.
અઠવાડિયા અગાઉ તેણે સમાજના ટ્રસ્ટીના પુત્ર અને પુત્રવધૂનો ફોટો મૂકી તેની નીચે બિભત્સ કોમેન્ટ કરી હતી. ત્યારબાદ પ્રશાંતે સમાજના ટ્રસ્ટી અને પ્રમુખનું નામ લખી બિભત્સ કોમેન્ટ કરી હતી. આથી સમાજના અગ્રણીઓએ ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રશાંત નાથાભાઈ ધામેચા વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગતરોજ પ્રશાંત નાથાભાઇ ધામેચાની મહારાષ્ટથી ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.