કેટલીકવાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હોય તે સમયે પોલીસને ચકમો આપીને નાસી છૂટતા હોય છે એવા કિસ્સાઓ અનેક વખત બન્યા છે. તો સુરતમાં એક એવો કિસ્સો બન્યો છે જેમાં જજ સાહેબે સજા સંભળાવી તો ગભરાઇ ગયેલો આરોપી કોર્ટમાં જ કઠેડામાંથી નાસી છૂટ્યો હતો. જેને પકડવા માટે પોલીસે પણ તેની પાછળ દોટ મુકી હતી.
મળતી માહિતી પ્રમાણે હિતેશ જાડેજા નામના આરોપીને સુરત સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધર્યા બાદ નામદાર કોર્ટ દ્વારા અરજી રદ્દ કરીને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જજ સાહેબનો હુકમ સાંભળીને ગભરાયેલો હિતેશ જાડેજા કોર્ટના કઠેડામાંથી ભાગી છૂટ્યો હતો. જેના પગલે કોર્ટે હિતેશ વિરુદ્ધ વોરન્ટ ઇસ્યૂ કર્યો હતો. સાથે સાથે ઉમરા પોલીસે હિતેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેને પકડવાની તજવીજ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ છોટા ઉદેપુરનાકદવાલ પોલીસના હાથમાંથી પ્રોહીબિશનના કેસનો આરોપી ફરાર જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. કદવાલના પી.એસ.આઈ.અને કોન્સ્ટેબલ ખાનગી ગાડીમાં પાવી જેતપુર પોલીસ મથકે લઇ જતા સ્ટેટ બેંકની સામે ગાડી ધીમી પડતા આરોપી હાથકડી સાથે ગાડીમાંથી કૂદીને ફરાર થઇ ગયો હતો.
આરોપી ફરાર થતા પી.એસ.આઈ.અને કોન્સ્ટેબલ આરોપીને પકડવા રસ્તામાં ગાડી છોડીને પાછળ દોડયા હતા. ૪૦૦ મીટર દૂર બેકરીની ગલીમાં ઘુસી જતા કડવાલ પોલીસના હાથે આરોપી ઝડપાઈ ગયો હતો. પ્રોહીબિશનના ગુનામાં નામ ખુલતા આરોપીની અટકાયત કરાઈ હતી. આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરવા માટે લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાંથી ફરાર થઇ ગયો હતો