કિર્તેશ પટેલ, સુરત : સુરતના ચોક બજાર વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રિક્ષામાં આવેલા અજાણ્યા લૂંટારૂઓ બેન્કમાં કેશ જમા કરાવવા આવતી વાનને ટાર્ગેટ બનાવી રૂ. 20 લાખની ચોરી કરીને હવામાં ઓગળી ગયા હતા! બાદમાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ થઇ હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 7 લોકોને ઝારખંડથી ઝડપી પાડ્યા હતાં.
શહેરના સૌથી ભરચક એવા ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે આવેલી SBI બેંકની બહાર કેશવાનમાંથી લૂંટારાઓ રોકડા રૂપિયા ભરેલી બેગની ચોરી કરી નાસી છૂટ્યા હતા. અઠવા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે માત્ર 500 મીટરના અંતરે આવેલી SBI બેંકમાં કરન્સી ચેસ્ટ આવેલી છે. અહીંથી શહેરની બેન્કોમાં કેશ મોકલવાનું અને બપોર બાદ કેશ લાવવાનું કામ સતત ચાલે છે. તારીખ 16ના બપોરના સમયે કરન્સી ચેસ્ટમાં અને બેન્કમાં રૂપિયા જમા કરાવવા માટે જ્યારે એક વાન ચોક બજાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે પહોંચી ત્યારે અગાઉથી રેકી કરીને ઓટો રિક્ષામાં આવેલા લૂંટારૂઓ તૈયાર જ બેઠા હતા.
વાન ઉભી હતી ત્યારે લૂંટારૂઓ તેમાંથી રોકડા રૂ. 20 લાખ ભરેલી બેગ લઇને ઓટો રિક્ષામાં નાસી છૂટ્યા હતા. વાનના સ્ટાફ અને સુરક્ષા ગાર્ડે તેનો પીછો કર્યો હતો પરંતુ લૂંટારુઓ હાથ લાગ્યા ન હતા.
ચોરીના બનાવ બાદ અઠવા પોલીસનો કાફલો ઉપરાંત ડૉગ સ્ક્વોર્ડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે તાત્કાલિક એસબીઆઇ બેન્કના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેના આધારે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આરોપીઓ અલગ અલગ ત્રણ રિક્ષા બદલી સુરત સ્ટેશન ગયા હતા. બાદમાં કામરેજ ખાતે ગયા હતા ત્યાંથી એક ઇકો કારમાં બેસીને વાપી અને મુંબઈથી દિલ્લી ગયા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તાત્કાલિક બે ટીમો મુંબઈ અને દિલ્લી જવા રવાના કરી હતી. પોલીસે ટેક્નોલોજીની મદદ લઈને ચાલુ ટ્રેનમાંથી કુલ 7 સાત આરોપીઓની ધરપકડ કરી લીધી. સાથે જ તેમની પાસેથી પોલીસે કુલ 3 લાખ 70 હજારૂ રૂપિયા કબજે કર્યાં છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસે પકડેલી ગેંગ માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં ચોરીને અંજામ આપી ચુકી છે. ગેંગ લીડર સુંદરરાજ પોતે ચોરીનો 50 ટકા હિસ્સો લેતો હતો અને બાકીની 50 ટકા રકમ ગેંગના બીજા સભ્યોને આપતો હતો. આ ગેંગ ભીડવાળી જગ્યાઓમાં ધ્યાન ભટકાવી ચોરી કરતી હતી. ત્રિચી ગેંગની અલગ અલગ રાજ્યોમાં બેંક તેમજ નાણાકીય પેઢીમાંથી પૈસા બહાર લઈને નીકળે તે વખતે તેઓની નજર ચુકવીને ચોરી કરવાની, ગાડીના કાચ તોડીને ચોરી કરવાની, ગંદકી નાખીને, ખંજવાળ આવે તેવી દવા નાખીને, રોડ ઉપર પૈસા ફેંકી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ ગેંગે ગુજરાતમાં રાજકોટ, સોમનાથ, ભોપાલ, થાણે, ગુરૂગ્રામ, પુણે, દિલ્હીમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હતી. સુરતમાં પહેલીવાર આ ગેંગ આવી હતી અને ચોરીને અજામ આપ્યો હતો. કુલ 10 લોકોએ સાથે મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર