સુરત : શહેરની નવી સિવિલ આમ તો હંમેશા વિવાદમાં રહે છે, પરંતુ આ વખતે આવી છે ચર્ચામાં. એક બાળકીને ડોક્ટરોએ નવ જીવન આપતા ફરી એકવાર ડોક્ટરો ભગવાન સમાન સાબિત થયા છે. તાપી જિલ્લાના વ્યારાના બેડકુવા ગામના ખેડૂત પરિવારની પાંચ વર્ષીય બાળકી રમતા-રમતા વાયર સાથેનો બેટરીનો બલ્બ ગળી ગઈ હતી અને શ્વાસનળીમાં ફસાઈ ગયા બાળકીને સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સિવિલના તબીબોએ બાળકીને નવું જીવન આપી આ વાયર અને બલ્બ બહાર કાઢવામાં સફળતા મળી છે.
દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી એવી નવી સિવિલ હોસ્પિટલ અનેક વખત તબીબોની બેદરકારીને લઈને ચર્ચામાં અથવા તો દર્દીના મોતના અનેક વખત આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ત્યારે આજે ફરી એક વાર હોસ્પિટલ અને તેના તબીબો ચર્ચામાં આવ્યા છે. જોકે આ વખતે કોઈ દર્દીના મોતને લઈને નહીં પરંતુ, એક બાળકીને નવ જીવન આપવાને લઈને ચર્ચામાં આવ્યા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરત જિલ્લાની બાજુમાં આવ્યો છે તાપી જિલ્લો. જ્યાં વ્યારાના બેડકુવા ગામમાં આદિવાસી અને ખેડૂત પરિવાર સુરેન્દ્રભાઈ ગામીત રહે છે. તેમની પાંચ વર્ષીય પુત્રી પ્રેઝી અઠવાડિયા અગાઉ ઘર પાસે રમી રહી હતી, ત્યારે અચાનક તેણીને સતત ખાંસી શરૂ થઈ હતી. પ્રેઝીને અચાનક ખાંસી શરૂ થતાં ચિંતિત માતાપિતા તેણીને સારવાર માટે વ્યાર રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રેઝીની છાતીનો એક્સરે પડાવી તપાસ કરી હતી. જેમાં પ્રેઝીના છાતીમાં કંઈક કઠણ પદાર્થ જેવું દેખાયું હતું.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રેઝીને વધુ સારવાર માટે સુરત સિવિલમાં રિફર કરાઈ હતી. સુરત સિવિલમાં પહોંચેલી પ્રેઝીની પીડા સતત વધતી દેખાતા ડિઝીટલ એક્સરે પડાવ્યો હતો. જેમાં વાયર સાથેનો બેટરીના બલ્બ જેવો પદાર્થ હોવાનું દેખાઈ આવ્યું હતું. ત્યારબાદ પ્રેઝીને ઓપરેશન થિએટરમાં લઈ જવાઈ હતી. ઇએનટી વિભાગના તબીબો દ્વારા બાળીકના મોઢેથી દુરબીન શ્વાસનળીમાં નાખ્યું હતું. પોણો કલાકની જહેમત બાદ એક પણ ટાંકો લીધા વગર વાયર સાથેનો બેટરીના બલ્બ બહાર કાઢ્યો હતો.
જોકે સુરતની નવી સિવિલના તબીબોએ ભારે જહેમત બાદ બાળકીને નવું જીવન આપતા પરિવાર પણ ગેલમાં આવી ગયો હતો અને તબીબોનો આભાર માનતા લાગ્યો હતો. આમ વિવાદોમાં આવતી હોસ્પિટલ અને તેના તબીબોએ એક બાળકીનો જીવ બચાવી આ પરિવાર માટે ભગવાન સાબિત થયા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર