કિર્તેષ પટેલ, સુરતઃ ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થયું છે ત્યારે વીજકરંટ લાગવાના કિસ્સાઓ પણ સામે આવતી હોય છે. સુરતમાં આજે શુક્રવારે વીજપોલને અડતા વીજ કરંટ લાગવાથી યુવતી મોતને ભેટી હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા હોબાળો મચાવતા જીઈબીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવીને કામગીરી હાથધરી છે. યુવતીને કરંટ લાગવાની ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને લઇને જીઇબી સામે ફરિયાદ નોંધી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના પુણાના નર્વેદન સાગર સોસાયટી પાસે 20 વર્ષીય યુવતી પસાર થાય છે. યુવતીએ રસ્તા પાસે આવેલા વીજ થાંભલાને પકડી પાડતા તેને કરંટ લાગ્યો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પાસે થી પસાર થતી અન્ય યુવતીએ બુમો પાડતા સ્થાનિક લોકો એકઠાં થયા હતા.
જીઈબીની બેદરકારીના કારણે યુવતીએ જીવ ગુમાવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. અને જેના પગલે જીઇબીની ટીમ ઘટના સ્થળે દોડી આવીને કામગીરી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે, કરંટ લાગવાથી આ પહેલા ચાર લોકો મોતને ભેટ્યાં હતા.
આ પણ વાંચોઃ-સુરતમાં અનરાધાર વરસાદ, માંગરોળ જિલ્લામાં 8થી વધુ વાછરડાં તણાયા
યુવતીના મોતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વીડિયોમાં દેખાય છે કે, વીજ થાંભલા પાસેથી અનેક લોકો પસાર થાય છે પરંતુ કમભાગી યુવતી તેની પાસેથી પસાર થાય છે અને વીજ થાંભલાને પકડી પાડે છે. અને ભારે કરંટના પગલે ત્યાં ત તેના રામ રમી જાય છે. આ ઘટનાના પગલે કોર્પોરેટર અને જીઇબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઉપરાંત રાજકોટના ઉપલેટના વરજાંગ જાળીયા ગામમાં ડીશ કેબલ રિપેરિંગ દરમિયાન વીજ કરંટ લાગતા યુવક ઘાયલ થયો હતો.