Home /News /south-gujarat /નવસારી MLA હુમલોઃ પાંચ હજાર લોકો સમર્થનમાં એકઠાં થયાં, જિ. પંચાયત પ્રમુખની દુકાનમાં આગ ચાંપી

નવસારી MLA હુમલોઃ પાંચ હજાર લોકો સમર્થનમાં એકઠાં થયાં, જિ. પંચાયત પ્રમુખની દુકાનમાં આગ ચાંપી

અનંત પટેલ પર હુમલો કરતા લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે.

નવસારીના કોંગ્રેસી ધારાસભ્ય પર હુમલા મામલે આદિવાસીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો છે. અંદાજે 5 હજાર જેટલા લોકો એકઠાં થયા છે. તેટલું જ નહીં, બેકાબૂ ટોળાએ જિલ્લા પંચાયત પ્રમુખની દુકાનમાં તોડફોડ કરી આગચંપી પણ કરી છે.

નવસારીઃ શહેરના કોંગ્રેસી ધારાસભ્ય પર હુમલા મામલે વિવાદ વધુ વકર્યો છે. ધારાસભ્ય અનંત પટેલ સહિત તેમના સમર્થકો હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચક્કાજામ કર્યો છે. ત્યારે ખેરગામ આદિવાસી સમાજ પણ તેમના સમર્થનમાં આવ્યો છે. તમામ લોકો રસ્તા પર બેસી ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે હાલ પાંચ હજાર જેટલાં લોકો એકઠાં થયા છે અને બેકાબૂ ટોળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીરની દુકાનમાં તોડફોડ કરી હતી. તેટલું જ નહીં તેમાં આગ પણ લાગી હતી.

જાનથી મારી નાંખવાની ધમકી આપીઃ અનંત પટેલ


આ મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યુ હતુ કે, ‘આજે મને સરપંચ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા મિટિંગમાં બોલાવવામાં આવ્યો હતો. તેમાં જતો હતો ત્યારે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમની સાથે કેટલાક ગુંડા, તેમાં તેમનો છોકરો, તેમનો ભત્રીજો અને આખું ટોળું હતું. તેમણે મને ગાડીમાંથી ઉતરવા કીધું, હું ન ઉતર્યો એટલે બધા કાચ તોડી નાંખ્યા. ત્યારે મને કોઈપણ ભોગે અને કોઈપણ સંજોગે મારી નાંખશું. આદિવાસી જોઈએ જ નહીં. આદિવાસી ચોર છે. આદિવાસીઓને અપશબ્દ બોલવામાં આવ્યાં. મને ગમે તે રીતે માર માર્યો અને કોઈપણ હિસાબે તું જીવતો નહીં જઈ શકે. તેમ કહીને જાનથી મારી નાખવાની તૈયારી હતી. મારી પર જે જગ્યાએ હુમલો થયો ત્યાં જ હું બેઠો છું. હું અહીંથી ખસવાનો નથી. મારો સમાજ જે કહેશે તે હું કરીશ. મારો સમાજ જ્યાં સુધી મારી સાથે છે ત્યાં સુધી હું કશે જવાનો નથી. ભલે રાત થાય દિવસ થાય અહીં જ રહીશ.’

આ પણ વાંચોઃ વાંસદાના કોંગ્રેસી ધારસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો


કોંગ્રેસી ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ આજનો દિવસ રાજ્ય માટે રાજનીતિની દ્રષ્ટીએ ખુબ જ ગરમ રહ્યો છે. આજે રાજ્યની રાજનીતિમાં અલગ-અલગ સ્થળે વિરોધ પ્રદર્શનથી લઇ પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચેના ઘર્ષણના મામલા સામે આવ્યા છે ત્યારે નવસારીના ખેરગામ તાલુકામાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો છે જેમા તેઓને આંખના ભાગે ઇજા થઇ છે. આ હુમલો બાદ અનંત પટેલની આંખમાંથી લોહી નીકળ્યું હતું.
First published:

Tags: Navsari News