કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ

કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ
વરસાદથી ડાંગરનો પાક બરબાદ થયો.

કમોસમી વરસાદે નવસારી, વલસાડ અને ડાંગના આદિવાસી ખેડૂતોની કમર ભાંગી નાખી, 300 કરોડના નુકસાનનો અંદાજ.

 • Share this:
  મયુર માકડિયા, વલસાડ : ગુજરાતમાં આ વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદે જગતના તાત એવા ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકશાન માટે રાજ્ય સરકારે વીમા કંપનીઓને સૂચના આપી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગના આદિવાસી ખેડૂતોએ પાક વીમો ન લીધો હોવાથી તેમના માટે હવે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના આ ત્રણ જિલ્લામાં નાના ખેડૂતોને 300 કરોડથી પણ વધુ નુકશાન થયું હોવાનું અનુમાન છે.

  દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતો માટે ડાંગર મુખ્ય પાક છે. આ વર્ષે ડાંગરના પાકનું પુષ્કળ ઉત્પાદન થવાનું હતું. ડાંગરનો પાક સામાન્ય રીતે 120 દિવસમાં તૈયાર થઈ જાય છે. જ્યારે આ વર્ષે ડાંગરના પાક પર 138 દિવસ વરસાદ વરસતા ખેડૂતોનો ઉભો પાક અંતિમ સમયે બરબાદ થઈ ગયો છે. જે ખેડૂતોનો થોડો ઘણો પણ પાક બચ્યો છે તે ખેડૂતોનો પાક કમસમી વરસાદને કારણે લીલી ઈયળના રોગનો ભોગ બન્યો છે.

  આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામના સરપંચ અને ખેડૂત નવીન પવાર સાથે પાક મામલે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, "અમારા ગામામાં 200 ખેડૂત છે. જેમના પર ગામના 2800 લોકોનું ગુજરાન ચાલે છે. આ વર્ષે ડાંગરનું બમ્પર ઉત્પાદન થવાનું હતું. પરંતુ ડાંગરની લણણી સમયે જ વરસાદ આવતા ઉભો પાક બળી ગયો છે. અહીંના નાના ખેડૂતોએ પાક ધીરણ લેતા નથી. આ માટે તેમની પાસે હવે કોઈ વિકલ્પ નથી. હવે રાજ્ય સરકાર કહે છે કે પાક વીમા વાળા ખેડૂતોને વળતર આપવામાં આવશે. પરંતુ અમારે અહીં કુલ ખેડૂતોમાંથી 90 ટકા પાસે પાક વીમો જ નથી. બીજી બાજુ અમારા પાકને 90 ટકા નુકસાન થયું છે. પશુઓ માટેનો જે ચારો હતો તે પણ બરબાદ થઈ ગયો છે. અમારી માંગણી છે કે રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરાવીને વળતર આપે."  દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, "દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગમા ખૂબ નાની જમીન ધરાવતા આદિવાસી ખેડૂતો છે. આ આદિવસી ખેડૂતો માત્ર ચોમાસું અને જો સિંચાઈની વ્યવસ્થા હોય તો શિયાળું પાક લે છે. પરંતુ આ વર્ષે આ ખેડૂતોનો ચોમાસું પાક ધોવાય ગયો છે. પરશુરામની આ ભૂમિના ખેડૂતોએ અત્યાર સુધી રાજ્ય સરકાર સામે હાથ નથી ફેલાવ્યા. આ વર્ષે આ ત્રણ જિલ્લાના ખેડૂતોને 300 કરોડથી પણ વધુ નુકસાન થયું છે. આ ખેડૂતોએ પાક વીમો ન લીધો હોવાથી મેં મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને સહાય માટે વિનંતી કરી છે.
  First published:November 04, 2019, 09:30 am

  ટૉપ ન્યૂઝ